ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અગાઉ આપેલા નિવેદન બદલ માંફી માંગતો વિડીયો જાહેર કર્યો, જેમાં ગાંધીજી વિશે આપેલા નિવેદનને લઈ કોંગ્રેસે વિરોધ કર્યોમોરબી : હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે રાજકારણમાં ચરિત્રહીન, દારૂડિયા અને જુગારીઓ આવી ગયા છે. આ નિવેદનની ટીકાઓ થતા તેઓએ માફી માંગવા માટે એક વિડીયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓએ એક દ્રષ્ટાંત આપવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેઓએ એવું કહ્યું કે ગાંધીજી દારૂ પીતા થઈ ગયા હતા. આ નિવેદન સામે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે ધારાસભ્યના રાજીનામાની માંગ કરવામાં આવી છે.આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઘણા બફાટ કરી રહ્યા છે. ત્યારે આજે એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય કહી રહ્યા છે કે મહાત્મા ગાંધી પણ દારૂના રવાડે ચડી ગયા હતા. આ કેટલા અંશે વ્યાજબી છે ? મહાત્મા ગાંધી દારૂ પિતા હતા. તે એક પણ જગ્યાએ લેખિતમાં ક્યાંય વાંચ્યું હોય , સાંભળ્યું હોય તો તેમને લોકો સમક્ષ રજુ કરવુ જોઈએ. આ માત્ર મહાત્મા ગાંધી જ નહીં, સમગ્ર ગુજરાતનું અને સમગ્ર દેશનું અપમાન છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે કોંગ્રેસ દ્વારા આજે નહેરુગેટ ચોક ખાતે પ્રકાશ વરમોરા વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે તેઓ રાજીનામુ આપે એવી માંગ કરવામાં આવી છે. તેઓએ તાત્કાલિક માફી માંગવી જોઈએ, અથવા માફી ન માંગવી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ.આ મામલે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કહ્યું કે અમુક લોકોને મારા વિષયનો વિષયાંતર જ કરવો છે. જેથી આ વિશે કોઈ કૉમેન્ટ કરવી નથી. આખો વિડીયો જોવે તો ખ્યાલ આવે કે એવો કોઈ વિષય જ નથી. અગાઉ જાણતા અજાણતા જે બોલાયું તેના માટે માફી માંગવા જ આ વીડિયો મુક્યો હતો.