ટંકારા : ટંકારા તાલુકાના વિવિધ તળાવો અને જળસ્ત્રોતોમાં શિયાળાની ઋતુની સાથે જ યુરોપ, રશિયા, સાઇબિરિયા, ઇરાક તથા અફઘાનિસ્તાન જેવા દૂરના દેશોમાંથી હજારો પ્રવાસી પક્ષીઓનું આગમન થતાં આ વિસ્તાર રંગબેરંગી કીકીયારીઓથી ગુંજી ઊઠ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીની ઋતુ શરૂ થતાંની સાથે જ વિદેશી મેહમાન પક્ષીઓના ઝુંડો ટંકારા તાલુકાના જબલપુરના બે મોટા તળાવો, સારણ ડેમ તેમજ અન્ય નાના-મોટા જળાશયોમાં ઉતરવા લાગ્યા છે. આ પક્ષીઓમાં ગાજ હંસ, ચમચો, કુંજ, રાખોડી પેલિકન, કાળી કોશી, કલકલીયો, સફેદ કાકણસાર સહિત અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે.વિદેશોમાં હિમવર્ષા અને હાડ થિજવે તેવી કડકડતી ઠંડી પડવાથી ખોરાકની અછત અને જીવન જીવવામાં તકલીફ પડતાં આ પક્ષીઓ હજારો કિલોમીટરની યાત્રા કાપીને ગુજરાતના અનુકૂળ વાતાવરણ અને પુષ્કળ ખોરાક મળી રહે તેવા સ્થિર પાણીવાળા વિસ્તારોમાં આવી પહોંચે છે. ટંકારા તાલુકાના આ તળાવો તેમના માટે સલામત આશરો અને પૂરતો ખોરાક પૂરો પાડે છે, જેના કારણે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે.