મોરબી: મોરબી જિલ્લાના હળવદ તાલુકાની શિક્ષિકા બહેનો અને ગૃહિણીઓ દ્વારા રચાયેલી 'રંગીલું હળવદ' ટીમે નડિયાદ મુકામે આયોજિત ઝોન કક્ષાના કલા મહાકુંભમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ખેડા (નડિયાદ) ખાતે યોજાયેલા આ કલા મહાકુંભમાં 21 થી 59 વર્ષના વયજૂથની રાસ સ્પર્ધામાં આ 16 બહેનોની ટીમે પ્રથમ નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.ટીમે 'કાનજી ક્યાં રમી આવ્યા રાસ...' રાસ પર પર્ફોર્મન્સ આપ્યું, જેમાં માત્ર એક હાર્મોનિયમ, ઢોલના તાલે અને ગઢવી સાહેબના દુહા-છંદનો ઉપયોગ થયો હતો. આ ટીમે વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને બોટાદ જેવા જિલ્લાઓની ટીમોને પછાડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કોઈ પણ કોરિયોગ્રાફરની મદદ વિના આ ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જે હળવદ તાલુકાની મહિલાઓ માટે ગૌરવરૂપ છે.ઝોન કક્ષાની આ જીત બાદ 'રંગીલું હળવદ' ટીમે હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટેની ટિકિટ મેળવી લીધી છે. આ વ્યસ્ત શિક્ષિકાઓ અને ગૃહિણીઓને સમય કાઢીને પ્રેક્ટિસ કરવા બદલ અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.