યુનિમેક્સ કોર્પોરેશન અને બિલ્ડ એવન્યુ આયોજિત રિવર્સ મીટમાં શ્રીલંકાના TSAI સભ્યોએ જોડાઈ મોરબીની મુલાકાત લઈ ઉદ્યોગકારો સાથે કરી બેઠકમોરબી: મોરબી સિરામિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવાના ઉદ્દેશ્યથી યુનિમેક્સ કોર્પોરેશન અને બિલ્ડ એવન્યુ દ્વારા એક નવીન અને સફળ 'રિવર્સ B2B મીટ' (Reverse B2B Meet) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ આયોજનમાં શ્રીલંકાના ટાઇલ્સ અને સેનેટરીવેર ઇમ્પોર્ટર્સ એસોસિએશન (TSAI) ના 10 સભ્યોની ટીમને મોરબી ખાતે ખાસ આમંત્રિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટનો હેતુ સ્થાનિક ઉત્પાદકો અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો વચ્ચે સીધો અને અસરકારક સંવાદ સ્થાપિત કરીને નિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.યુનિમેક્સ કોર્પોરેશનના ઉત્પલ દોશીએ તેમની સંસ્થાના વિઝન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે યુનિમેક્સની ટેગલાઇન 'કનેક્ટિંગ ડોટ્સ' છે. તેમનું મુખ્ય ધ્યેય મોરબીના સિરામિક ઉદ્યોગને વિશ્વભરમાં પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. આ ધ્યેયની પૂર્તિ માટે, તેઓ 'બિલ્ડ એવન્યુ' (Build Avenue) મેગેઝીન દ્વારા મોરબીની સિરામિક પ્રોડક્ટ્સનો પ્રચાર-પ્રસાર કરે છે. વધુમાં, યુનિમેક્સ બ્રાન્ડ હેઠળ તેઓ અગાઉ જોહાનિસબર્ગ, શ્રીલંકા અને ક્રોએશિયા જેવા દેશોમાં પણ B2B મીટનું આયોજન કરી ચૂક્યા છે, જ્યાં મોરબીના મેન્યુફેક્ચર્સને વિદેશી બાયર્સ સાથે સીધી મુલાકાત કરાવાઈ હતી.'રિવર્સ B2B મીટ' ની નવીનતમ પહેલ વિશે જણાવતા ઉત્પલ દોશીએ કહ્યું કે આ વખતે એક નવો વિચાર આવ્યો, જેના ભાગરૂપે શ્રીલંકાથી TSAI (Tiles and Sanitaryware Importants Association) ના 10 સભ્યોની ટીમને મોરબી બોલાવવામાં આવી. આ ટીમને મોરબીની 10 થી 12 અગ્રણી ફેક્ટરીઓની વિઝીટ કરાવવામાં આવી, જ્યાં તેઓએ લાઇવ પ્લાન્ટ્સ અને ડિસ્પ્લે જોયા. આનાથી તેમને ઉત્પાદન પ્રક્રિયાનો સીધો અનુભવ થયો. આ ટીમને ફેક્ટરીના માલિકો અને ડિસિઝન મેકર્સ સાથે સીધી મુલાકાત કરાવીને જરૂરી ચર્ચા અને વાટાઘાટો માટે અવકાશ પૂરો પાડવામાં આવ્યો હતો. યુનિમેક્સ હંમેશા મોરબી સિરામિક ઉદ્યોગનો વિકાસ થાય અને નિકાસ વધે તે માટે પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ પણ ઉત્પલ દોશીએ વ્યક્ત કર્યો હતો.સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ આ આયોજનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય એક્ઝિબિશન કરતાં આ પ્રકારની B2B મીટિંગનો મોટો ફાયદો એ છે કે બાયર્સને કંપનીની વિઝીટ, ડિસ્પ્લે જોયા બાદ માલિકો સાથે વાતચીત કરવાનો મોકો મળે છે, જેનાથી તેમની ચોક્કસ જરૂરિયાતો જાણી શકાય છે અને પરિણામે 100 ટકા રિઝલ્ટ મળવાની સંભાવના રહે છે. ભાગ લેનારા મેન્યુફેક્ચર્સે પણ આ આયોજનને આવકારતાં કહ્યું કે મોરબીમાં પ્રથમ વખત રિવર્સ B2B મીટનું આયોજન થયું, જે ખૂબ જ લાભદાયી રહ્યું. અત્યાર સુધી તેઓ આઉટ ઓફ કન્ટ્રી B2B મીટ માટે જતા, પરંતુ ત્યાં લાઇવ ડિસ્પ્લે અને ઓફિસ ડિસ્કશનનો આટલો સારો સ્કોપ નહોતો મળતો. અહીં શ્રીલંકાની આખી ટીમ આવવાથી અને ડિસ્પ્લેમાં વિઝીટ કરવાથી સચોટ ચર્ચા થઈ શકી, જેના માટે તેમણે યુનિમેક્સ અને ઉત્પલ જોશીનો આભાર માન્યો.શ્રીલંકાના ટાઇલ્સ એન્ડ સેનેટરી એક્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી, રાઝમીન એ આ અદ્ભુત ઇવેન્ટ માટે યુનિમેક્સનો આભાર માન્યો હતો. તેમણે ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત ટાઇલ્સ ઉદ્યોગના સંબંધોને રેખાંકિત કર્યા હતા. જોકે, તેમણે શ્રીલંકામાં આયાત પરના 125% જેટલા ઊંચા ટેક્સનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મોરબીના ઉત્પાદકોને વિનંતી કરી હતી કે તેઓ તેમની પ્રોડક્શન કોસ્ટને ધ્યાનમાં રાખીને શ્રીલંકા માટે વ્યાજબી (રિઝનેબલ) કિંમત જાળવે. તેમણે ભારતીય સિરામિક ઉદ્યોગે ગુણવત્તા, ડિઝાઇન અને ટેક્નોલોજીમાં છેલ્લા 10 વર્ષમાં કરેલા નોંધપાત્ર સુધારાઓની પ્રશંસા કરી. રાઝમીને મોરબીના ઉત્પાદકોને ખાતરી આપી કે કોઈપણ પ્રશ્નો કે સૂચનો માટે તેઓ TSAI ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વેબસાઇટ અથવા યુનિમેક્સ દ્વારા તેમનો સંપર્ક કરી શકે છે. આ રિવર્સ B2B મીટ મોરબીના સિરામિક ઉદ્યોગને વિશ્વ બજાર સાથે જોડવામાં એક નવો અને અસરકારક માર્ગ પૂરો પાડે છે.