ટંકારા : ગુજરાતના સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક વારસાના જતન અને પ્રચારમાં અવિરત યોગદાન આપનારા ટંકારાના પુરાતત્વ-પ્રેમી હર્ષદભાઈ વડધાસિયા (હર્ષદ પટેલ)ને હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર (HCRC), અમદાવાદ દ્વારા આયોજિત ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025’થી ગાંધીનગરના IIT કેમ્પસ ખાતે ભવ્ય સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ માત્ર એક એવોર્ડ સમારોહ નથી, પરંતુ ગુજરાતની અસ્મિતા, ઓળખ અને મૂલ્યોને ઉજાગર કરવાનો મહાયજ્ઞ છે.” સમારોહમાં ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચેરમેન ડૉ. હર્ષદ પટેલ, પૂર્વ સચિવ પી.કે. લેહરી, સવાણી ગ્રુપના રામ સવાણી, આઈ.એ.એસ. પ્રદીપસિંહ રાઠોડ, અન્નપૂર્ણા બા સહિત અનેક ખ્યાતનામ હસ્તીઓએ હાજરી આપી હતી.ટંકારામાં ધેટીયા વાસના વતની હાલે રાજકોટમાં રહેતા હર્ષદભાઈએ પુરાતન સોમનાથ મહાદેવ મંદિરના પ્રાચીન ભગ્ન અવશેષને લઈને ભારતનું પ્રથમ મંદિર શિલ્પ શાસ્ત્ર પર (ટેમ્પલ આર્કિટેક) મ્યુઝિયમ તૈયાર કર્યું છે. આ સંગ્રહાલયનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યૂઅલી થયું હતું. હાલ તેઓ સોમનાથ પર એક પુસ્તક તૈયાર કર્યું છે, જેનું વિમોચન થવાની તૈયારી ચાલુ છે,મહત્વનું છે કે, હર્ષદભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળામાં લેતી વખતે કુદરતી રીતે ભૂગોળ, ઇતિહાસ અને પુરાવશેષો પ્રત્યેના આકર્ષણે તેમને આ ક્ષેત્રે લઈ આવ્યા. પુણે-મુંબઈમાં નોકરી કરી, વેવેલ ઇન્ડિયા સાથે જોડાયા જ્યા પુરાતત્વ વિભાગ વિશે માહિતી મળી ગુજરાત પરત ફરી પાછું ભણવાનું ચાલુ કર્યુ ને નોકરી કરતા કરતા પુરાતન અવશેષોના ને સાંસ્કૃતિક વસ્તુઓના પ્રદર્શન 40થી વધુ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો અને યુનિવર્સિટીમાં પ્રદર્શનો કર્યા. UGC અંતર્ગત HRDC ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેક્ચર અને ડેમોસ્ટ્રેશન આપ્યા પણ છે. પૂર્વ સચિવ પી.કે. લેહરી તથા કપિલભાઈ ઠાકરના સંપર્કમાં આવ્યા અને વધુ માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પુરાતત્વ કાર્યો, મ્યુઝિયમ અને સોમનાથના કાર્તિક પૂર્ણિમાના મેળા આયોજનમાં જોડાયા. રાજકોટ વેસ્ટવુડ સ્કૂલમાં ભરતભાઈ સાથે મળીને એજ્યુકેસનલ મ્યુઝિયમ તૈયાર કર્યું. હર્ષદભાઈએ ટંકારાના ટીંબાઓ, અકીકના પથ્થરો, હજારો વર્ષ જૂની વસાહતોના રહસ્યો ઉજાગર કર્યા છે, જેના પર હાલ વધુ સંશોધન ચાલુ છે.આ એવોર્ડ મળ્યા બાદ હર્ષદભાઈએ કહ્યું, “આ સન્માન મારા પરિવારની સંપૂર્ણ સાથનું પરિણામ છે. મારા પરિવારે કદી સ્વખર્ચે ચાલતા મારા પુરાતત્વ પ્રેમને રોક્યો નહીં, ઉલ્ટાનું હંમેશા પ્રોત્સાહન આપ્યું. આજે તેનું ફળ મળ્યું છે.”આ સન્માનથી ટંકારા તાલુકાના ઇતિહાસ-પુરાતત્વ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે અને હર્ષદભાઈના કાર્યો નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.