મોરબી: ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર એસોસિએશન (GEBEA) દ્વારા આજે મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2018માં થયેલા 132kV મોટા દહીંસરા લીલો લાઇનના કામ અંગે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લિમિટેડ (GETCO)ના અધિકારીઓ વિરુદ્ધ દાખલ થયેલી FIR તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે.GEBEA એ જણાવ્યું હતું કે GETCO દ્વારા 132kV D/C લીલો મોટા દહીંસરા લાઇનનું કામ કોર્પોરેશનના અધિકારો હેઠળ જાહેર હિતમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ લાઇન અને સબસ્ટેશનની માળખાકીય સુવિધાથી માળિયા તાલુકાના લોકોને ઘણો મોટો ફાયદો થયો છે. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે મોરબી જિલ્લામાં હાલમાં સરકારી કર્મચારીઓને માનસિક રીતે હેરાન-પરેશાન કરવા અને તેમની કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે ભયનો માહોલ ઊભો થયો છે.રજૂઆત મુજબ, માત્ર બે દિવસ પહેલાં, 2018માં થયેલા લાઇનના કામ અંગે આશરે આઠ વર્ષ પછી GETCO અધિકારીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ પંચમાં માત્ર એક વ્યક્તિની સહી અને બે ભાઈઓ વચ્ચેના જમીન વિવાદના આધારે દાખલ કરવામાં આવી છે. એસોસિએશને જણાવ્યું કે GETCOના દસ્તાવેજોને અવગણીને, ઓથોરિટીની પૂર્વ મંજૂરી અને પૂરતી તપાસ વિના આ FIR દાખલ કરવામાં આવી છે. ત્યારે GEBEA એ આ ખોટી રીતે કરવામાં આવેલી FIR ને તાત્કાલિક અસરથી રદ કરવા અપીલ કરી છે.