ખેતરમાં વરસાદી પાણી ભરાયેલું હોય, જેનો નિકાલ કરવાની કામગીરી મહાપાલિકા દ્વારા જ શરૂ થતી હતી, પણ લોકોનો વિરોધ જોઈ કામગીરી બંધ કરી દેવાતા મામલો થાળે પડ્યો મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર એક ખેતરમાંથી પાણી નિકાલ કરવા બાબતે સ્થાનિકોએ વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. જો કે આ કામગીરી મહાપાલિકા દ્વારા જ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. મહાપાલિકાએ આ કામગીરી બંધ કરી દેતા મામલો થાળે પડ્યો છે અને સ્થાનિકોએ ચક્કાજામ હટાવી દીધો છે.પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી રોડ ઉપર સુમતિનાથ સોસાયટીના સ્થાનિકોએ ભુગર્ભ ગટર મારફત પાણીના નિકાલ બાબતે રોડ ઉપર ચક્કાજામ શરૂ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમની સોસાયટીની સામે એક ખેતર આવેલું છે. ત્યાંથી ભૂગર્ભ ગટર મારફત પાણીના નિકાલની તૈયારીઓ શરૂ થતાં તેઓએ ચક્કાજામ શરૂ કર્યો હતો. અહીં ભૂગર્ભ ગટરની લાઈન નાની છે. ખેતરના પાણીનો નિકાલ થાય તો સોસાયટીનું પાણી તેમાં જઈ શકતું નથી. જેથી તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી બાજુ પાણી નિકાલની આ કામગીરી મહાપાલિકા દ્વારા જ થતી હોવાનું સામે આવ્યું છે. ભૂગર્ભ વિભાગના અધિકારી આશિષ રાઠોડે જણાવ્યું કે ખેતરમાં 2 મહિનાથી વરસાદી પાણી ભરાયેલું છે. બે બાજુ રોડ ઉંચો થઈ જતા આ ખેતરમાં વરસાદી પાણી ભરાતું હતું. જેથી તેનો ભૂગર્ભ ગટર મારફત નિકાલ કરવાની કામગીરી શરૂ કરી હતી. લોકોની રજુઆત મળતા આ કામગીરી બંધ કરવામાં આવી છે.