ટંકારા : ચરાડવા ખાતે આવેલા મહાકાળી આશ્રમથી દ્વારકાધીશના દરબારની પગપાળા પવિત્ર યાત્રા આજે સવારે 10 વાગ્યે ટંકારા પહોંચી હતી. પૂજ્ય દયાનંદગીરી બાપુના સાનિધ્યમાં આશ્રમના મહંત અમરગીરી બાપુ તથા મોટી સંખ્યામાં ભક્તજનો આ યાત્રામાં સહભાગી બન્યા છે. ટંકારા ઓવરબ્રિજ નીચે યાત્રાના ભવ્ય સ્વાગત માટે તાલુકાના તમામ વર્ગના લોકો ઉમટી પડ્યા હતા. આ તકે તમામ પદયાત્રિકોનું ફૂલહાર, માળા તથા ઠંડા પીણા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટંકારા ઉત્સવ સમિતિ, પાંજરાપોળ મિત્ર મંડળ, સદગુરુ મિત્ર મંડળ, જલારામ યુવા સેવા સમિતિ સહિત તાલુકાના રાજકીય, સામાજિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રીઓએ પણ ટંકારાવાસીઓના આ ઉત્સાહ અને ભક્તિભાવની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. આ પદયાત્રા આગામી 14 ડિસેમ્બરે દ્વારકાધીશના દરબારે પહોંચશે ટંકારામાં મળેલા આ ભવ્ય સ્વાગતથી યાત્રીઓનો ઉત્સાહ બમણો થયો છે અને સમગ્ર વાતાવરણ “જય દ્વારકાધીશ” તથા “જય મહાકાળી માં”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.