મોરબી: મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના નિવૃત્ત મદદનીશ શિક્ષિકા કંચનબેન બોડા વીસ વર્ષની નોકરી કરી નિવૃત્ત થયા બાદ પણ શાળા પ્રત્યેની અપાર લાગણીને કારણે આજે પણ બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે.હાલમાં શાળામાં બે શિક્ષકોની પ્રસંગોપાત રજા અને શિક્ષકોની ઘટને કારણે નાના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે કંચનબેન બોડાએ સ્વૈચ્છિક હાજરી આપીને શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું છે, જે તેમનો વિદ્યાદાનરૂપી અનોખો સેવાયજ્ઞ છે. નિવૃત્તિ સમયે પણ ગ્રામજનોએ તેમનો અદકેરો વિદાયમાન સન્માન કાર્યક્રમ રાખ્યો હતો. ચાલુ વરસાદે પણ આખું ગામ જોડાયું હતું અને સામૂહિક ભોજન સાથે તેમને વિદાય આપવામાં આવી હતી.નિવૃત્તિ પ્રસંગે કંચનબેન બોડાએ આજુબાજુની પાંચ શાળાના 300 જેટલા ગરીબ અને મજૂર વર્ગના બાળકોને સ્કૂલબેગ આપીને માનવતા મહેકાવી હતી. બાળકોને શૈક્ષણિક વસ્તુઓ મળી રહે તે માટે તેમણે શાળામાં 'રામહાટ' પણ ચાલુ કરાવી હતી. કંચનબેન બોડા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીભાઈ સરડવાના ધર્મપત્ની છે. તેમની નિવૃત્તિ બાદની આ શૈક્ષણિક સેવાને મોરબીના સમગ્ર પ્રાથમિક શિક્ષક અને શિક્ષણ પરિવારે બિરદાવી છે.