ટંકારા : મોરબીના શનાળા બાયપાસ ખાતે દરરોજ ટ્રાફિક જામથી હજારો મુસાફરો મહામુશ્કેલી અનુભવી રહ્યા છે. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવાથી લોકો નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી શકતા નથી. સિટી એરિયામાં ટ્રાફિકજામ સર્જાઈ તે વાત સામાન્ય છે પણ ચાર જીલ્લાને જોડતા મુખ્ય માર્ગમાં ટ્રાફિકના પ્રશ્નથી લોકો પીડાઈ રહ્યા છે. ટ્રાફિકનો ભોગ બનનાર નિખિલભાઈ જણાવે છે કે નોકરી કાજે અમો દૈનિક રાજકોટ - મોરબી રોડ પર અપડાઉન કરીએ છીએ. વર્તમાન સમયમાં આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા કોઈ પણ તંત્રએ તસ્દી લીધી નથી અને લેવાના પણ નથી. બાઈક પર સવાર હર્ષદ પટેલ જણાવ્યું હતું કે શનાળા ખાતે ખડકાયેલ નિયમ વિરુદ્ધના મહાકાય સ્પીડ બ્રેકર રોડના ગરકનાલા અને ગેસ પંપ નજીકના ગરકનાલાની સાથે શનાળા રાજપર ચોકડી એ આડેધડ આવન જાવન કરતા વાહન ચાલકો થી આ સમસ્યા કાયમની બની છે જો શનાળા બમ્પં અને ગરકનાલાની વ્યવસ્થા નહી કરે ત્યા સુધી આ સમસ્યા દૂર થશે નહી.આ અંગે ગુજરાત પોલીસને એક્સ (ટ્વીટર) પર ઓનલાઇન રજુઆત કરતા ગુજરાત પોલિસે તાકિદે મોરબી એસપી મોરબીને આ અંગે કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહી અંગે જાણ કરવા જણાવ્યું હતું આ અંગે મોરબી પોલીસ વડાએ તાકિદે એ ડિવિઝન પોલીસ અને ટ્રાફિક પોલીસને આ જામ સમસ્યા અને પગલા ભરવા સુચના આપી છે ત્યારે જોવુ રહ્યું કે જામ સમસ્યા પુર્ણ થાય છે કે સ્થિતિ યથાવત રહે છે.