મોરબી: તારીખ 5 ડિસેમ્બર, 2055ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), મોરબીની ટીમે અણીયારી ગામે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. KVKના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ એમ. એફ. ભોરણીયા, તેમજ સ્ટાફ કલ્પનાબેન અને નિલેશભાઈએ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત બાબુભાઈ લોરીયાના ફાર્મની મુલાકાત લીધી હતી.બાબુભાઈ લોરીયાએ તેમના દાડમ, લીંબુ અને આંબાના પાકોમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો જેમ કે ગૌમૂત્ર, જીવામૃત, ઘન જીવામૃત અને દસ પરણી અર્કનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે, જેના પરિણામે તેમને ખૂબ જ સારા ઉત્પાદન મળ્યા છે. KVK ટીમે ખેતરમાં આ પદ્ધતિઓના અસરકારક પરિણામો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. નોંધનીય છે કે બાબુભાઈ પ્રાકૃતિક ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ પણ ખૂબ જ અસરકારક રીતે કરે છે, જે આધુનિક ખેડૂતો માટે એક ઉત્તમ અને ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.