વર્ષે 20 હજાર કરોડના એક્સપોર્ટમાં ઉદ્યોગકારો અન્ય દેશની તુલનાએ હરીફાઈમાં ટકી રહેશે મોરબી : હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો ગગડીને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી જતા ડોલરના ભાવ રૂ.90ની સપાટીએ પહોંચ્યા છે ત્યારે મોરબીના સીરામીક ઉદ્યોગને ચાંદી-ચાંદી થઇ પડી હોવાનું સામે આવ્યું છે. અગ્રણી ઉદ્યોગપતિ અને એક્સપોર્ટરના મતે મોરબી સીરામીક ઉદ્યોગ ઈમ્પોર્ટ કરવાને બદલે એક્સપોર્ટ કરી રહ્યો હોવાથી ડોલરના ભાવ વધતા અન્ય દેશોની સામે હરીફાઈમાં ટકી રહેવાનું પરિબળ મળ્યું છે.મોરબીના અગ્રણી સીરામીક એક્સપોર્ટર અને કેપેક્સીએલના ચેરમેન નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો ગગડી જતા ડોલરના ભાવ 90ની સપાટીએ પહોંચ્યા છે. જો કે, રૂપિયાની કિંમત ઘટવા છતાં પણ મોરબીના સીરામીક ઉદ્યોગને કોઈ નુકશાન નથી. વધુમાં તેઓ ઉમેરે છે કે,મોરબીથી વર્ષે 20 હજાર કરોડની સીરામીક પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. સામે ઈમ્પોર્ટનું પ્રમાણ નહીંવત હોવાથી એક્સપોર્ટરોને ડોલર ઉંચી સપાટીએ પહોંચવા છતાં કોઈ નુકશાન નથી. ઉલટું ડોલર ઉંચે ચડતા મોરબીના સીરામીક એક્સપોર્ટર અન્ય હરીફ દેશોની સામે કોમ્પિટિટિવ ભાવ આપી એક્સપોર્ટ વધારી શકશે.