એક વર્ષમાં નિર્માણ કાર્ય પૂરું નહીં થતા કોન્ટ્રાક્ટરને 30 લાખની પેનલ્ટી ફટકારાઇ, હજુ પણ કામ ક્યારે પૂર્ણ થશે તે નક્કી નથી : પાણી પુરવઠા વિભાગની વિવિધ કચેરીઓ માટે એક જ સંકુલમાં નિર્માણ થઈ રહ્યું છે જલભવન મોરબી : મોરબી શહેરમાં હાલમાં અલગ-અલગ સ્થળોએ બેસતી પાણી પુરવઠા વિભાગની તમામ કચેરીઓ એક જ સંકુલમાં બેસી શકે તે માટે સરકારે 2.95 કરોડના ખર્ચે જલભવન નિર્માણ કરવા મંજૂરી આપતા ગોંડલની ખાનગી એજન્સીને દાઉદી પ્લોટ-2 ના નાકા પાસે જલભવન નિર્માણનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે પરંતુ એક વર્ષની મુદતમાં કચેરીનું બાંધકામ પૂર્ણ કરવાની શરતનો ભંગ કરી હાલમાં અઢી વર્ષ પૂર્ણ થવા છતાં જલભવન નિર્માણની કામગીરી અધૂરી રહેતા કોન્ટ્રાક્ટર એજન્સીને 30 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સાથે જ નોટિસ પર નોટિસ આપવાની કાર્યવાહી પણ ચાલુ હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા મોરબી ખાતે પાણી પુરવઠા વિભાગની ડિવિઝન કચેરી, બે સબડિવિઝન કચેરી, યાંત્રિક પેટા વિભાગ અને વાસ્મો કચેરી માટે દાઉદી પ્લોટ-2 ના નાકા પાસે કાલિકા પ્લોટમાં જલભવન નિર્માણ કરવા રૂ.2.95 કરોડના ખર્ચે પ્રોજેક્ટ મંજુર કરવામાં આવતા વર્ષ 2023ના એપ્રિલ માસમાં ગોંડલની યમુના એજન્સીને કામ આપવામાં આવ્યું હતું. ટેન્ડરની શરત મુજબ એક વર્ષમાં 3 માળની આ કચેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની શરત હતી. જો કે, આમ છતાં આજે અઢી વર્ષ બાદ પણ જલભવન કચેરીનું નિર્માણ પૂર્ણ થયું ન હોવાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને 30 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. કચેરી સમયસર નિર્માણ ન થતા મહિને 55 હજારનું ભારણ મોરબીમાં હાલમાં પાણીપુરવઠા બોર્ડની કચેરીઓ અલગ અલગ ત્રણ જગ્યાએ બેસે છે. છેલ્લા દસ વર્ષથી ભાડાના મકાનમાં બેસતી કચેરીમાં વાસ્મો કચેરીના ભાડા પેટે મહિને 20 હજાર, ડિવિઝન કચેરીના મહિને 24 હજાર અને સબ ડિવિઝન કચેરીના મહિને 11 હજાર મળી 55 હજાર રૂપિયા ભાડું ચુકવવામાં આવી રહ્યું છે. બીજી તરફ એક વર્ષમાં નિર્માણ થનાર કચેરી અઢી વર્ષે પણ નિર્માણ ન થતા હાલમાં દર મહિને ત્રણેય કચેરીના 55 હજાર રૂપિયાના ભાડાનું ભારણ ચડી રહ્યું હોવાનું સામે આવ્યું છે.બે મહિનામાં કચેરીનું નિર્માણ પૂર્ણ નહીં થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે મોરબી પાણી પુરવઠા વિભાગના અધિકારી મહેશ દામાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં જલભવન નિર્માણ કામ શરૂ થયા બાદ નિયમ મુજબ એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ કામ પૂર્ણ ન થતા હાલમાં અનેક નોટિસ આપવાની સાથે 30 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, હાલમાં એજન્સીને બે મહિનાની મુદત આપવામાં આવી છે. જો બે મહિનામાં કામ પૂર્ણ નહીં થાય તો એજન્સીને જરૂરી કાર્યવાહી બાદ બ્લેક લિસ્ટેડ કરવામાં આવશે.ત્રણ માળના બિલ્ડિંગમાં હજુ ફ્લોરિંગ, કલર અને ફર્નિચર બાકી કાલિકા પ્લોટમાં નિર્માણાધીન જલભવન સંકુલના નિર્માણમાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા કચેરીના અધિકારી મહેશ દામાએ ઉમેર્યું હતું કે, હાલમાં ત્રણ માળના આ બિલ્ડિંગમાં ફ્લોરિંગ, રંગરોગાન અને ફર્નિચર સહિતની કામગીરી બાકી છે. હાલમાં કોન્ટ્રાકટર એજન્સીને બે મહિનામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.