આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચિત્ર આંશિક રીતે સ્પષ્ટ થયું : સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય પદ માટે ચૂંટણી થવાની સંભાવનામોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે તા. 5 ડિસેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેથી આજે ચૂંટણીનું ચિત્ર આંશિક રીતે સ્પષ્ટ થયું છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, મહિલા રિપ્રેઝન્ટેટિવ માટે એક-એક ઉમેદવારે જ ફોર્મ ભર્યું હોવાથી તેઓ બિનહરીફ છે. ફોર્મ ચકાસણી બાદ તેઓને સત્તાવાર બિનહરીફ જાહેર કરવામાં આવશે. મોરબી બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર ( મહિલા અનામત), મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને 5 કારોબારી સભ્ય(1 મહિલા અનામત) આમ કુલ 11 હોદાઓ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઇ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારેધી દીપકભાઈ વાલજીભાઇ,મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બૂબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરીએ ફોર્મ ભર્યું છે. આ તમામ હોદાઓ માટે એક-એક ફોર્મ જ આવ્યા છે. માટે તેઓ બિનહરીફ છે.જ્યારે સેક્રેટરી પદ માટે સોલંકી જીતેન્દ્રભાઈ ડાયાભાઈ અને ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે અતુલભાઈ છગનભાઇ ડાભી અને જીતેન્દ્રભાઈ ડાયાભાઇ સોલંકીએ ફોર્મ ભર્યા છે. કારોબારી સભ્ય પદ માટે દેવીપ્રસાદ કૈલાશભાઈ જોશી, હુસેનભાઈ અનવરભાઈ કટિયા, પ્રદીપભાઈ ધનજીભાઈ કંઝારિયા, પ્રદીપભાઈ કે. કાટીયા, ઘનશ્યામ બી.આદ્રોજા, નીતિનભાઈ ભીમજીભાઈ પાડલીયા, યોગેશભાઈ આર.પારેજિયા, રવિભાઈ દિનેશભાઇ ચાવડાએ ફોર્મ ભર્યા છે. આમ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય પદ માટે ચૂંટણી થવાની સંભાવના સેવાઈ રહી છે.આ વખતે ચૂંટણીમાં પ્રમુખ માટે રૂ. 21 હજાર તો ઉપપ્રમુખ અને સેક્રેટરી માટે રૂ.11-11 હજાર જેવી મોટી રકમ ડિપોઝીટ માટે રાખવામાં આવી હોય, જેથી દર વખતની સાપેક્ષે ઓછા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે તા.8ના રોજ ફોર્મની ચકાસણી થવાની છે. તા.9ના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ તા.10ના રોજ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થવાની છે. તા.19ના રોજ ન્યાય મંદિર બિલ્ડીંગ, મોરબી બારના રૂમમાં સવારે 9:30થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશભાઇ બદ્રકિયા, અશોકભાઈ સરડવા, જયભાઈ પરીખ, ખુશ્બૂબેન કંઝારિયા, સોનલબેન પરમાર ફરજ બજાવી રહ્યા છે.