મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ માળિયા તાલુકામાં તાત્કાલિક ધોરણે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)નું કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરી છે.ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને CCIના સૌરાષ્ટ્ર ઝોનલ મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માળિયા તાલુકો મોરબી જિલ્લાના મુખ્ય કપાસ ઉત્પાદન વિસ્તારોમાંનો એક છે. અહીં હજારો નાના-મોટા ખેડૂતો કપાસની ખેતી કરી ગુજરાન ચલાવે છે. જોકે, તાલુકામાં CCI ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને તેમના પાકને ટેકાના ભાવ (MSP) પર વેચવા માટે મોરબી, રાજકોટ અથવા અન્ય દૂરના શહેરોમાં જવું પડે છે. આના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને MSPની સુવિધાનો સીધો લાભ મળતો નથી. કિશોરભાઈ ચિખલીયાએ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને માળિયા તાલુકામાં ઝડપથી CCI ખરીદી કેન્દ્ર શરૂ કરવા માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે.