મોરબી : મોરબી જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી તરફથી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા, એલ.સી.બી. અને હળવદ પોલીસની ટીમોએ ત્રણેય સામાવાળાઓની તુરંત અટકાયત કરી તેમને અલગ-અલગ જેલ હવાલે કર્યા છે.જેમાં અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરીયા (રહે. જુના ધુંટુરોડ, મોરબી) ને મધ્યસ્થ જેલ, વડોદરા, રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા (રહે. જુના ઘુંટુરોડ, મોરબી) ને જિલ્લા જેલ, જૂનાગઢ અને તેજશભાઈ નરશીભાઈ લાંઘણોજા (રહે. ખાખરેચી, તા. માળીયા મીંયાણા) ને જિલ્લા જેલ, ભાવનગર ખાતે મોકલાયો છે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, તેમના રહેણાંક વિસ્તાર, વ્યવસાય સ્થળો, કે પછી અવાવરૂ જગ્યાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ/કોલેજોની આસપાસ અથવા જાહેર સ્થળોએ પ્રોહિબિશનનું વેચાણ, હેરાફેરી, કે દારૂ ગાળવા જેવી પ્રવૃત્તિઓ આચરતા ઈસમોની માહિતી તાત્કાલિક પોલીસને આપે. માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ (મોબાઇલ નંબર: ૭૪૩૩૯૭૫૯૪૩, ફોન નંબર: ૦૨૮૨૨૨૪૩૪૭૯/૮૦) પર અથવા ડાયલ ૧૧૨ પર જાણ કરવા યાદીમાં જણાવાયું છે.