યાયાવર પક્ષીઓ રાતવાસો કરવા રોકાયા અને અકાળે મોતને ભેટયા: તમામને દફન કરવામાં આવશેમોરબી : શિયાળામાં દર વર્ષે જલપ્લાવિત વિસ્તારમાં મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે ત્યારે મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં 17 જેટલા યાયાવર કુંજ પક્ષીઓના ભેદી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ ગંભીર બનાવ મામલે મોરબી ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ કરતા પીએમ રિપોર્ટમાં ખેતરમાં વાવેલા ઝેરી ઘઉં ખાવાથી કુંજના મોત થયા હોવાનું સામે આવતા ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કર્યા બાદ આ કુંજપક્ષીઓને દફન કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.મોરબી શહેર -જિલ્લામાં જલપ્લાવિત વિસ્તારમાં દર વર્ષે મોટા પ્રમાણમાં અનેક વિદેશી પંખીઓ આવતા હોય છે. આ વર્ષ પણ શિયાળાના આગમન સાથે જ મોરબી જિલ્લામાં અવનવા પક્ષીઓની હાજરી જોવા મળી રહી હોવાનું પક્ષી નિરીક્ષકો નોંધી રહ્યા છે. બીજી તરફ મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં ગઈકાલે કુંજ પક્ષીઓનું આગમન થયું હતું અને સાંજે એકસાથે 20થી 25 જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ જોવા મળતા ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. આ અંગે વિગતો આપતા ગામના ખેડૂત દિનેશભાઇ દઢાણીયાએ જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગની ટિમ અહીં આવી હતી અને તપાસ અર્થે 3 મૃતદેહો લઈ ગયા હોવાનું જણાવ્યું હતું.ઉલ્લખનીય છે કે, કમોસમી વરસાદ બાદ હાલમાં શિયાળુ પાકનું વાવેતર ચાલી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો ઘઉં, ચણા જેવા પાકના વાવેતર સમયે ઝેરી દવાનો પટ્ટ મારતા હોવાથી પક્ષીઓ આવા બિયારણ ખાવાથી પણ મૃત્યુ થતા હોવાના બનાવો બને છે. મોરબી શહેર જિલ્લામાં જળાશયો, નદીકાંઠા વિસ્તાર, તળાવ તેમજ અન્ય પાણી ભરેલા સ્થળોએ વિદેશી પંખીઓ મહેમાન બનતા હોય છે ત્યારે ચાંચાપરમા પણ દર વર્ષે મોટા પ્રમાણમાં કુંજ પક્ષી આવતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.ઝેરી ઘઉં ખાવાથી કુંજ પક્ષીના મોત થયા : ફોરેસ્ટરમોરબી તાલુકામાં ચાંચાપરમા કુંજ પક્ષીઓના મૃત્યુ મામલે વન વિભાગના ફોરેસ્ટર જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાંચાપર ગામની સીમમાં 17 કુંજ પક્ષીઓના મૃત્યુ થયા હોવાનું સામે આવતા કુંજ પક્ષીઓનું પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં કુંજપક્ષીના શરીરમાંથી ઝેરી ઘઉં, ધૂળ તેમજ કાંકરા મળી આવ્યા હોવાથી એક્સિડેન્ટલ ડેથ હોવાનું અને શિકારની ઘટના ન હોવાનું તેમને સ્પષ્ટ કર્યું હતું. વધુમાં ફોરેસ્ટર જયદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, હાલમાં વાવેતરની સીઝન હોય આ પક્ષીઓએ ધૂળ નીચે દટાયેલ ઝેરી દવા યુક્ત ઘઉં ખાવાથી ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં નિયમ મુજબ વડી કચેરીને જાણ કરી તમામ મૃત કુંજ પક્ષીને દફન કરી અંતિમવિધિ કરવામાં આવશે.વિદેશી પક્ષીઓ સાંજ પડે ત્યાં વિરામ લેતા હોય છેમોરબીના ચાંચાપરમા કુંજ પક્ષીઓના સામુહિક મૃત્યુ મામલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શિયાળામાં આ વિદેશી પક્ષીઓ કચ્છનું નાનું રણ , જામનગરના ખીજડીયા સહિતના સ્થળે આવતા હોય છે. જિલ્લામાં પણ જ્યાં જ્યાં જલપ્લાવિત વિસ્તાર છે ત્યાં યાયાવર પક્ષીઓની હાજરી હોય છે. સાથે જ લાંબી યાત્રાએ નીકળતા આ પક્ષીઓ સાંજ ઢળી જાય ત્યારે રાતવાસો કરવા ઉતરતા હોય ત્યારે ખેતરમાં પડેલ ઘઉં ખાઈ લેવાથી આ ઘટના બની હોવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી હતી.કુંજ પક્ષીનો મુખ્ય ખોરાક કીટક અને અનાજદર વર્ષે શિયાળા દરમિયાન રાજ્યમાં અનેક યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે ત્યારે મોરબીમાં એક સાથે 17 કુંજ પક્ષીના મૃત્યુ અંગે ઝેરી ઘઉંનું બિયારણ ખાવાથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયદીપસિંહે જણાવ્યું હતું કે, યાયાવર કુંજ પક્ષી મુખ્યત્વે કીટક અને અનાજ ખાતા હોય છે. ચાંચાપર ગામમાં 17 કુંજ પક્ષીના મૃત્યુ બાદ પીએમ રિપોર્ટમાં કુંજ પક્ષીની હોજરીમાંથી ઝેરી ઘઉંના દાણા અને ઘૂળ-માટી સહિતના અવશેષ મળી આવ્યા હતા.