શાંતિના માહોલ વચ્ચે બજારો ધમધમી, લોકોને ખોટી અફવા પર ધ્યાન ના આપવા અપીલમોરબી : મોરબીમાં ગઈકાલે મંગળવારે દરગાહના ડીમોલેશન બાદ થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જો કે ત્યારબાદ આજે બુધવાર બપોર સુધી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા હજુ પણ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે. આજે એસપી સહિતના અધિકારીઓએ ડિમોલેશન સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આરએન્ડબી દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મણીમંદિરની બાજુમાં આવેલ દરગાહનું દબાણ હટાવવામાં આવ્યું હતું. જેને પગલે મોટી સંખ્યામાં લોકોએ એ ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અમુક લોકોએ પોલીસ સ્ટેશન બહાર લાઇટિંગ બોર્ડ તોડી અને પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. જો કે ત્યારબાદ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા. અને ઠેક-ઠેકાણે ફૂટ પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતું. ગઈકાલ સાંજથી આજ બપોર સુધી શહેરમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. 8 ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ 800થી વધુ પોલીસ જવાનો ફરજ પર તૈનાત છે. વધુમાં આજે જિલ્લા પોલીસ વડા દ્વારા ડીમોલેશન સ્થળની મુલાકાત પણ લેવામાં આવી હતી. ત્યારે મણીમંદિર, શક્તિ ચોક, બેઠા પુલ, નટરાજ ફાટક, નહેરુગેટ ચોક, એ ડિવિઝન પોલીસ, વીસીપરા, વાવડી રોડ નાકા, જુના બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારોમાં ડીવાયએસપી તથા પીઆઇના સુપરવિઝન હેઠળ પોલીસ કાફલો તૈનાત હોવાનું જાણવા મળી રહ્યું છે.