સીમમાં મૃતદેહો મળ્યા, ફોરેસ્ટ વિભાગે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરીમોરબી : ચાચાપર ગામની સીમમાં 20થી વધુ કુંજ પક્ષીઓના ભેદી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળની મુલાકાત લઈ આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચાચાપર ગામની સીમમાં ગઈકાલે સાંજે એકસાથે 20થી 25 જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ જોવા મળ્યા હતા. જેને પગલે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. આ અંગે વિગતો આપતા ગામના ખેડૂત દિનેશભાઇ ડોઢણીયાએ જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગની ટિમ આજે અહીં આવી હતી. તેઓ તપાસ અર્થે 3 મૃતદેહો લઈ ગયા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે અહીં દર શિયાળે મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ આવે છે. આ વખતે પણ ઠંડીની શરૂઆત થતા જ પક્ષીઓ આવતા હતા. પણ કોઈ કારણોસર આજથી પક્ષીઓ આવતા બંધ થઈ ગયા છે.આ મામલે ફોરેસ્ટ અધિકારી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ટીમને ઘટના સ્થળે મોકલી હતી. પક્ષીના મૃતદેહનું પીએમ કર્યા બાદ સાચું કારણ જાણવા મળશે.