મહાપાલિકા દ્વારા 131 હોસ્પિટલની તપાસ, SOP મુજબ ખામીઓ તથા દસ્તાવેજોની ઉણપ ધરાવતી હોસ્પિટલોને નોટિસ અપાઈમોરબી : ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા GRUDA-2022 એક્ટ હેઠળ અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા સક્રિય રીતે ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ફરી એકવાર ભારપૂર્વક યાદ અપાવવામાં આવે છે કે અરજી કરવાની અંતિમ તારીખ 17/12/2025 છે. અરજદારોએ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી દસ્તાવેજો, નકશા અને નિર્ધારિત ફી સાથે સમયમર્યાદા પૂર્વે અરજી કરવાની રહેશે. સમયમર્યાદા બાદ આવી અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.શહેરના સુનિયોજિત અને નિયંત્રિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગત અઠવાડિયે ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ મહત્વની મંજૂરીઓ જારી કરવામાં આવી છે. જેમાં ટેકનિકલ પ્રક્રિયાઓને લગતા પ્રાપ્ત થયેલા તમામ ઝોનિંગ પ્રમાણપત્ર પાઠવી દેવામાં આવ્યા છે. તેમજ 3 બાંધકામ પાડવાની અને 2 વિકાસ પરવાનગી આપવામાં આવી છે. તેમજ GRUDA-2022 હેઠળની 4 અરજીઓને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મંજૂરી આપવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાએ નાગરિકો, બાંધકામ વ્યાવસાયિકો, આર્કિટેક્ટો તેમજ હોસ્પિટલ સંચાલકોને અપીલ કરી છે કે તેઓ નિયમોનું પાલન કરે અને જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવીને શહેરના આયોજનબદ્ધ વિકાસમાં સક્રિય સહભાગી બને. મહાનગરપાલિકા નાગરિકોને વધુ સુવિધા આપવા માટે પારદર્શી અને ઝડપી કાર્યપ્રણાલી ચાલુ રાખશે.વધુમાં શહેરના આરોગ્ય સંકુલની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે, ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની કુલ 131 હોસ્પિટલોની સ્થળ વિઝિટ (Site Visit) હાથ ધરવામાં આવી હતી. ટીમે હોસ્પિટલોમાં SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અનુરૂપ સુવિધાઓ, ઈમરજન્સી પ્રતિભાવ પ્રણાલી, ફાયર સેફ્ટીની વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા, બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સલામતી, અને જરૂરી લાયસન્સ તેમજ પ્રમાણપત્રોની વિગતવાર ચકાસણી કરી હતી.તમામ 131 હોસ્પિટલોની ભૌતિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે. SOP મુજબ ખામીઓ અથવા જરૂરી દસ્તાવેજોની ઉણપ જોવા મળેલ હોસ્પિટલ સંચાલકોને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી છે. તેમને નિયમસરની ત્રૂટીઓને નિર્ધારિત સમય મર્યાદામાં પૂરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયુ છે.