29થી વધુ ગામમાં ખેડૂતોને મળશે લાભ : અગ્રણીઓ શ્રીફળ વધેરી પાણીનો વાલ્વ ખોલ્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેડૂતોની જીવાદોરી તેમજ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મહાકાય મચ્છુ 1 ડેમ સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થતાં ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હોય જેના અનુસંધાને મંગળવારે સવારે ૧૦ વાગ્યે ખેતીમાં શિયાળું પાકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે. કેનાલ વાટે પાણી છોડવા માટે ભાજપના વરિષ્ઠ નેતા રતિલાલ અણિયારીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ વાઘજીભાઈ ડાંગરોચા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા દ્વારા શ્રીફળ ધરાવી વાલ્વ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાદમાં પાણી ખુલતા જ ઉપસ્થિત તમામે ભારત માતાની જય બોલાવી અરસપરસ પેંડા ખવડાવી મો મીઠા કર્યા હતા.આ વર્ષે પણ ખેડૂતોને શિયાળું પાક માટે ડેમ સતાધીશો દ્વારા તાલુકાના 29 કરતાં વધારે ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે. ઉપસ્થિત અગ્રણીઓએ રવિ પાક સિઝન સારી રીતે નીવડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. મચ્છુ 1 ડેમ ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાજપના વરિષ્ઠ નેતા રતિલાલ અણિયારીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ વાઘજીભાઈ ડાંગરોચા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, લઘુમતી સમાજના અગ્રણી અસરફભાઇ બાદી સહિત તાલુકાના ખેડૂત અગ્રણીઓ તેમજ ખેડૂતોની ઉપસ્થિતિ રહી હતી. હાલ સંસદનું શિયાળું સત્ર શરૂ થયું હોવાથી રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ત્યાં હોય, તેઓએ દિલ્હી ખાતેથી ખેડૂતોને મબલખ રવિપાક નીપજે તેવી શુભકામના પાઠવી હતી.