કોઈ ખોટી દોરવણી, ઉશ્કેરણી કે અફવાથી દૂર રહેવા અપીલ, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ, રાત્રે પણ ચુસ્ત બંદોબસ્ત હશે, કોઈ પણ એવી પરિસ્થિતિ જોવા મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલમોરબી : મોરબીમાં મણીમંદિરની બાજુમાં આવેલ દરગાહના ડીમોલેશન બાદ થોડીવાર માટે તંગદિલી સર્જાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી તોડફોડ કરી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યું છે. સાથે તેઓએ અત્યારે શાંતિ જળવાય તે પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે વિગતો જાહેર કરતા જણાવ્યું કે મોરબીમાં મણી મંદિરની બાજુમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું. કલેકટર તથા આરએન્ડબી વિભાગ તરફથી બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળ્યો હતો. જેના આધારે બંદોબસ્ત ફળવ્યો હતો. આ જગ્યા મામલે વર્ષ 2022માં લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ થયો હતો. આરોપી 11થી 12 મહિના જેલમાં પણ રહ્યા હતા. તેમની પાસે કોઈ દેખીતી રીતે માલિકીના પુરાવા ન હતા. જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલ્યો હતો. મૂળ આરોપીનું નિધન થઈ ગયું હતું. કેસ નામદાર કોર્ટે એબેટ કરી જમીન પરત મેળવવા માટે આરએન્ડબીને હુકમ કર્યો હતો. બાદમાં આ મેટર હાઇકોર્ટમાં પણ ગઈ હતી. ત્યાં તેઓ કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. અમે 200થી 250 જેટલા પોલીસ કર્મીઓ બહારથી બોલાવ્યા છે. બહારના 5 ડીવાયએસપી બંદોબસ્તમાં મળ્યા છે. 3 ડીવાયએસપી અહીંના ફરજ પર છે. ઉપરાંત અહીંના 550 પોલીસ કર્મીઓ પણ બંદોબસ્તમાં મુકાયા છે. આ તમામ આખી રાત બંદોબસ્તમાં રહેશે. મોરબીની પ્રજાને અપીલ છે કે કોઈ ખોટી દોરવણી, કોઈ ઉશ્કેરણી કે અફવાથી દૂર રહેવું. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે. કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો કંટ્રોલ રૂમ, એસપી, ડીવાયએસપી તથા પીઆઈનો સંપર્ક કરવો. અંતમાં તેઓએ જણાવ્યું કે એ ડિવિઝન પોલીસ મથકે ઘણા લોકોએ ભેગા થયા હતા. તેઓએ તોડફોડ કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. હાલ પોલીસની પ્રાથમિકતા બંદોબસ્ત ગોઠવીને શાંતિ જળવાય રહે તેની છે.