તંત્રનું ઓચિંતું ઓપરેશન : જામનગર અને રાજકોટથી પણ પોલીસ જવાનો બોલાવી 1000થી વધુ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો : બેઠો પુલ બંધ કરી દેવાયો : અઢી કલાકમાં દરગાહ દૂર કરાઈમોરબી : મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ દરગાહના દબાણ પર આજે તંત્ર દ્વારા આજે ઓચિંતું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અઢી કલાક જેટલા સમયમાં આ દરગાહ તોડી પાડવામાં આવી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મણીમંદિરના પરિસરમાં આવેલી એક દરગાહનું આજે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ડીમોલેશન આશરે 2:30 વાગ્યાના અરસામાં શરૂ કરવામાં આવ્યુ હતું. તેની અડધી કલાક પહેલા જ બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં આ ડીમોલેશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવાય હતી. 50 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ 1000 જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે મણીમંદિર ઉપરાંત શહેરના બીજા અનેક વિસ્તારોમાં પણ પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા. 10થી વધુ જેસીબી, 2 હિટાચી અને 10થી વધુ ડમ્પરની મદદથી માત્ર અઢી કલાક જેટલા સમયમાં દરગાહ હટાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોરબીમાં આવેલ હેરિટેજ મણી મંદિરનાં પરિસરમાં દરગાહના બાંધકામ મામલે વર્ષ 2022 માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ મામલે અગાઉ હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હતો. જો કે બાદમાં સ્ટે હટાવી પણ દેવામાં આવ્યો હતો.મોરબી એ ડિવિઝન પાસે મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા બાદ પોલીસ દ્વારા લોકોને સમજાવી દૂર કર્યામોરબીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મણિમંદિર પાસે દરગાહના દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મોરબી જેલ રોડ પર એ ડિવિડિઝન પોલીસ મથક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જતા. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એકઠા થેલા લોકોને સમજાવટથી દૂર કરી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.