ડીડીઓને કલેકટર તરીકે પ્રમોશન બાદ પંચાયત વિભાગની ગાડી પાટેથી ઉતરી ગઈ : કાયમી અધિકારીના અભાવે વિકાસ કામ, નીતિ વિષયક નિર્ણયો અટક્યા મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીને કલેકટર તરીકે પ્રમોશન મલ્યા બાદ છેલ્લા બે મહિનાથી સરકારે કાયમી ડીડીઓની નિમણુંક નહીં કરતા હાલમાં ડીડીઓની જગ્યા ચાર્જના ચાર્જમાં ચાલી રહી છે. ડીડીઓનો ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને સોંપાયા બાદ તેઓ લાંબી રજા પર ઉતરી ગયા હોય હાલમાં ડેપ્યુટી ડીડીઓને હવાલે જિલ્લા પંચાયતનો વહીવટ સોંપાયો છે. તેમાં પણ ડેપ્યુટી ડીડીઓ પાસે પણ ત્રણ-ત્રણ વધારાના ચાર્જ હોવાથી જિલ્લા પંચાયતની વિકાસની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે. મહત્વનું છે કે, જિલ્લામાં બે તાલુકા પંચાયતમાં ટીડીઓની જગ્યા પણ ખાલી હોય સમગ્ર પંચાયત વિભાગ ઇન્ચાર્જ હવાલે હોવાની સ્થિતિ ઉભી થઇ છે.મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના શાસનકાળમાં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કાયાપલટ થયા બાદ ડીડીઓને કલેકટર તરીકે બે માસ પૂર્વે પ્રમોશન મળ્યા બાદ મોરબીમાં કાયમી ડીડીઓની નિમણુંક ન થતા ડીડીઓનો ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને સોંપવામાં આવ્યો હતો. જો કે, તેઓ પણ લાંબી રજા પર ઉતરી ગયા હોવાથી હાલમાં ડીડીઓનો ચાર્જ ડેપ્યુટી ડીડીઓને સોંપવામાં આવ્યો છે. અધૂરામાં પૂરું જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓની બે જગ્યા છે. જેમાં એક જગ્યા ખાલી હોવાથી હાલમાં એક જ ડેપ્યુટી ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તેઓની મૂળ જગ્યાનો કારભાર વહન કરી રહયા છે.ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતમાં કાયમી ઉચ્ચ અધિકારીની નિમણુંક ન થવાની સાથે માળીયા મિયાણા અને ટંકારા ટીડીઓની જગ્યા પણ ખાલી હોવાથી અહીં પણ ઇન્ચાર્જ ભરોસે કારભાર ચાલી રહ્યો છે. સાથે જ જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ, આઈસીડીએસ અધિકારી, વાંકાનેર સીડીપીઓ, સહિતની અનેક મહત્વની જગ્યાઓ ખાલી પડી હોવાથી હાલમાં જિલ્લા પંચાયતમાં આવતા અરજદારોને ધક્કા થઇ રહ્યા છે. સાથે જ જિલ્લા પંચાયતના નીતિ વિષયક નિર્ણયો અને વિકાસ કામોની ગાડી અટકી પડી હોવાનું પણ સામે આવ્યું છે.જિલ્લા પંચાયતમાં કલાર્કની 80 ટકા જગ્યા ખાલીમોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓની જગ્યા ખાલી હોવાની સાથે જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ગ્રામસેવક, ચીટનીશ સહિતની અનેક જગ્યાઓ ખાલી હોવાથી કચેરીની મહત્વની કામગીરીને અસર પડી રહી છે. જિલ્લા પંચાયતમાં જુનિયર કલાર્કની 102 મંજુર જગ્યા પૈકી માત્રને માત્ર 19 જગ્યા જ ભરેલી હોય બાકીની જગ્યા ખાલી છે. એ જ રીતે સિનિયર કલાર્કની 39 જગ્યા સામે 22 જગ્યા ભરેલી છે. નાયબ ચીટનીશની 26 જગ્યા સામે માત્ર 11 જગ્યા ભરેલી છે. જયારે તલાટીની 278 જગ્યા સામે 235 જગ્યા જ ભરેલી હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે.