ઇ-ઓળખ પોર્ટલમાં તેમજ સર્વરમાં અવાર-નવાર ધાંધિયાને કારણે અરજદારોને ધરમના ધક્કા મોરબી : મોરબી શહેરને જન્મ-મરણ દાખલાની કામગીરીમાં આજ સુધી સંતોષ મળ્યો નથી. આ કામગીરી કરાવવી લોઢાના ચણા ચાવવા જેવી કઠિન છે. ઇ-ઓળખ પોર્ટલમાં તેમજ સર્વરમાં અવાર-નવાર ધાંધિયાને કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવા સામાન્ય વાત બની ગઈ છે. તેવામાં આજે પણ પોર્ટલની ખામીને કારણે જન્મ-મરણના દાખલામાં સુધારાની કામગીરી ઠપ્પ રહી છે. મોરબી મહાપાલિકાના સ્ટેશન રોડ ઉપર આવેલ સિવિક સેન્ટર ખાતે આજે જન્મ મરણના દાખલામાં સુધારાની કામગીરી ઠપ્પ છે. જેના કારણે આજે અનેક અરજદારોને વિલા મોઢે પરત ફરવું પડ્યું છે. મળતી માહિતી અનુસાર હાલ જન્મ મરણના દાખલાની કામગીરી માટે નવું સીઆરએસ પોર્ટલ કાર્યરત થઈ ગયું છે. પણ દાખલામાં સુધારા જુના ઇ ઓળખ પોર્ટલમાં જ થાય છે. આ ઇ ઓળખ પોર્ટલ આજે બંધ હોવાના કારણે કામગીરી અટકી પડી છે. વધુમાં આ પોર્ટલ ઘણી વખત બંધ થઈ જાય છે ઉપરાંત સર્વરની સમસ્યા પણ સર્જાઈ છે. પરિણામે અવારનવાર કામગીરીને અસર થાય છે.આમ હાલ તો જન્મ- મરણના દાખલાની કામગીરી અરજદારો માટે પીડાદાયી બની રહી છે. પોર્ટલ થોડા દિવસ ચાલે છે. વળી બંધ થઈ જાય છે. ઉપરાંત પોર્ટલ જ્યારે ચાલતું હોય ત્યારે વળી બીજી કોઈ સમસ્યા હોય છે. આમ ગામડેથી આવતા તેમજ શહેરના દૂરના વિસ્તારોમાંથી આવતા લોકોને દાખલાની કામગીરીમાં ભારે હાલાકી પડી રહી છે.આધારકાર્ડ માટે જન્મના દાખલામાં પૂરું નામ માંગવામાં આવતા સુધારા માટે ધસારો વધ્યોકોઈ પણ આધારકાર્ડની કામગીરી માટે જન્મના દાખલામાં હવે અટક અને પિતાના નામ સહિતનું પુરુ નામ માંગવામાં આવે છે. જેથી જેમના જન્મના દાખલામાં પૂરું નામ ન હોય તેઓનો જન્મના દાખલામાં સુધારા માટે ધસારો વધ્યો છે. દરરોજ જન્મ-મરણના દાખલા માટે સરેરાશ 250 જેટલા અરજદારો આવે છે. જેમાંથી અંદાજે 150 જેટલા અરજદારો તો માત્ર જન્મના દાખલામાં સુધારો કરવા વાળા જ હોય છે. તેવામાં સુધારાની કામગીરી ઠપ્પ હોવાથી અરજદારોને ધક્કા થઈ રહ્યા છે.નવુ પોર્ટલ 1 સપ્ટેમ્બરથી કાર્યરત થયું, છતાં હજુ જૂનો ડેટા ટ્રાન્સફર નથી થયોમોરબી મહાપાલિકાના જન્મ મરણના દાખલાની કામગીરી માટે ઇ ઓળખ પોર્ટલ કાર્યરત હતું. ગત 1 સપ્ટેમ્બરથી તેના બદલે નવું સીઆરએસ પોર્ટલ કાર્યરત થયું છે. જો કે કોઈ કારણોસર નવા પોર્ટલમાં હજુ ડેટા ટ્રાન્સફર થયો નથી. વધુમાં જન્મના દાખલામાં સુધારાની કામગીરી માટે ઇ ઓળખ પોર્ટલ ઉપર જ આધાર રાખવો પડે છે. ગામડાના અરજદારોના સુધારાઓ દાખલાના નંબરના વાંકે ન થઈ શકતા હોવાની રાવતાજેતરમાં મહાપાલિકામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોના જે અરજદારો છે. જો તેમને જન્મના દાખલામાં સુધારાઓ કરવા હોય, તો ઘણા કિસ્સામાં સુધારાઓ થઈ શકતા નથી. તેઓના દાખલાના નંબર અને મહાપાલિકામાં નીકળેલા જુના દાખલાઓના નંબર સરખા જ હોવાથી આ કામગીરી અટવાયેલી પડી છે.