મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં થનારા વિકાસ કાર્યો અંગેની માહિતી આપી હતી. સાથે જ એક મહિનાની અંદર આશરે 400 કરોડ રૂપિયાના કામો થવા જઈ રહ્યા છે તે અંગે જણાવ્યું હતું અને આ કામોને મંજૂરી આપવા બદલ તેઓએ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ખૂબ જ ઝડપથી વિકાસના કામો થઈ રહ્યા છે. જેમાં આગામી એક મહિનાની અંદર 400 કરોડના કામનું ખાતમુહૂર્ત થાય તે માટે મુખ્યમંત્રીને મળીને કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. જેમાં મોરબીમાં 155 કરોડના ખર્ચે કેબલ બ્રિજ બનશે, બીજી તરફનો બ્રિજ 45 કરોડના ખર્ચે બનશે. જ્યારે કેનાલ પાછળ 55 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત બગીચા, પાણી અને ગટર સહિતની યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. આમ એકાદ મહિનાની અંદર કુલ 400 કરોડના કામો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબીની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા પણ સરકાર પ્રયત્નશીલ છે. ટ્રાફિકની સમસ્યા ઉદભવે નહીં તે માટે હાલ મોરબી શહેરમાં બે-બે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. થોડાક દિવસોમાં તમામ રોડના સમારકામનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે જ અંડરગ્રાઉન્ડ ગટર અને અંડરગ્રાઉન્ડ કેબલના કામ માટે પણ 50 કરોડ ખર્ચ કરવામાં આવશે. આમ મોરબી સારુ બને તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.