મોરબી : મોરબીના જેલ રોડ પર લખધીરવાસ વિસ્તારમાં આવેલ જૂની દાણાપીઠ વિસ્તારમાં પાણીના સંપનો વાલ્વ તૂટતા આશરે અઢી લાખ લીટર પાણીનો વેડફાટ થયો છે. મહત્વનું છે કે, દાણાપીઠના આ સંપમાંથી લખધીરવાસની આસપાસના વિસ્તાર, રબારીવાસના વિસ્તારમાં પાણીનું વિતરણ થાય છે.આ સંપ આશરે પાંચ લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવે છે. જેમાં આજરોજ આશરે અઢી લાખ લીટર જેટલું પાણી ભરેલું હતું. આજે જ્યારે પાણી વિતરણ માટે વાલ્વ ખોલવામાં આવી રહ્યો હતો તે દરમિયાન સંપનો વાલ્વ તૂટી ગયો હતો. વાલ્વ તૂટી જતા પાણીના ઊંચા ફુવારા થયા હતા. જોકે કર્મચારીઓએ ઉપર પથ્થરો મૂકી દેતા ઊંચા ફુવારા થતા બંધ થઈ ગયા હતા પરંતુ પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હતો અને જ્યાં સુધી આખો સંપ ખાલી નહીં થાય ત્યાં સુધી વાલ રીપેરીંગની કામગીરી થઈ શકશે નહીં. તેથી આ વાલ્વ તૂટી જતા આશરે અઢી લાખ લીટર જેટલા પાણીનો વેડફાટ થશે મહત્વનું છે કે, એક તરફ મોરબી શહેરમાં પાણી માટે અનેક લોકો વલખા મારી રહ્યા છે. ગઈકાલે જ ઋષભ પાર્ક સોસાયટીના લોકોએ પાણીની સમસ્યાના કારણે આખો દિવસ મહાનગરપાલિકા કચેરીમાં બેસીને પાણી આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે બીજી તરફ આજે વાલ્વ તૂટવાના કારણે આશરે અઢી લાખ લીટર જેટલા પાણીનો વેડફાટ થયો છે.