મોરબી : તા. 23/11/2025 ના રોજ લક્ષ્મીનગર, બેલા રોડ પરથી મળી આવેલા એક બાળકને તેના વાલી-વારસ સાથે સફળતાપૂર્વક પુનઃ મિલન કરવામાં આવ્યું છે. બાળક મળી આવ્યા બાદ તેને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, કન્કેશ્વરી દેવી ગુરુ પુજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ, મોરબી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા બાળકના વાલીને શોધવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને મોરબી અપડેટ સહિતના મીડિયામાં આ અંગેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાંચીને જ બાળકના વાલીઓએ તેમનો સંપર્ક કર્યો હતો.તમામ જરૂરી ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા બાદ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સમક્ષ રજૂઆત કરીને બાળકને તેના વાલી સાથે સોંપવામાં આવ્યું હતું. બાળકના વાલીઓ મૂળ દાહોદ જિલ્લાના છે અને મોરબી નજીક ખાખરડા ગામે જમીન વાવવા માટે રોકાયેલા છે. જિલ્લા બાળ સુરક્ષા એકમના સમયસરના પગલાં અને મીડિયાના સહયોગથી બાળકને ટૂંક સમયમાં જ તેના પરિવાર સાથે ફરી મિલન કરાવી શકાયું છે.