ગામડાઓ માટે રૂ.18 કરોડના ખર્ચે સાકાર થશે જૂથ પાણી પુરવઠા યોજના મોરબી : સિરામિક હબ તરીકે વિશ્વમાં ડંકો વગાડનાર મોરબી જિલ્લામાં વર્તમાન સમયમાં હજુ પણ અનેક ગામો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા મોરબી તેમજ માળીયા મિયાણા તાલુકાના પાણી માટે હાલાકી ભોગવતા 90 ગામો માટે રૂ.18 કરોડના ખર્ચે ખાસ જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરી છે. માર્ચ માસમાં શરૂ થયેલ આ યોજનાની કામગીરી આગામી સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થતા જ તમામ 90 ગામોને પૂરતા ફોર્સથી પાણી મળી રહેશે.મોરબી તેમજ માળીયા મિયાણા તાલુકાના અનેક ગામોમા હાલમાં સ્થાનિક જળસ્રોતના અભાવે સરકારની અલગ અલગ પાણી યોજનાથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં અમુક છેવાડાના ગામોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની વ્યાપક ફરિયાદો મળતા મોરબી પાણી પુરવઠા વિભાગ દ્વારા બન્ને તાલુકાના 90 ગામો માટે રૂપિયા 18 કરોડના ખર્ચે ખાસ જૂથ પાણી પુરવઠા યોજના સાકાર કરી માર્ચ 2025માં યોજનાનું કામ શરૂ કરાવ્યું છે. આ જૂથ પાણી પુરવઠા યોજના આગામી સપ્ટેમ્બર-2026માં પૂર્ણ થયા બાદ મોરબી અને માળીયા મિયાણા તાલુકાના તમામ 90 ગામોને પીવાના પાણીની સમસ્યા કાયમી હલ થશે.જૂથ પાણી યોજનાની 42 ટકા કામગીરી પૂર્ણ મોરબી પાણી પુરવઠા વિભાગના અધિકારી મહેશ દામાના જણાવ્યા મુજબ મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 90 ગામોને પીવાનું પાણી આપવા હાલમાં પીવીસી અને ડીઆઇ પાઈપલાઈન બિછાવવામાં આવી રહી છે. હાલમાં જૂથ પાણી પુરવઠા યોજનાની 42 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. આગામી સપ્ટેમ્બર માસમાં તમામ કામગીરી પૂર્ણ થતા જ લોકોને નવી લાઇનમાંથી પાણી મળશે. હાલમાં 52 ગામમાં સંપ તેમજ જરૂરત મુજબના ગામોમાં ઓવરહેડ ટેન્ક અને પંપ હાઉસ સહિતના કામો ગતિમાન હોવાનું તેમને જણાવ્યુ હતું.આટલા ગામોને મળશે જૂથ યોજનાનો લાભ મોરબી-માળીયા મિયાણા જૂથ યોજના અન્વયે સોખડા, અણિયારી, અમરેલી (પાર્ટ ), ગોરખીજડીયા, વનાળિયા, જેપુર, ખાખરાળાં, બરવાળા, બીલીયા, કાંતિપુર, ખેવાળિયા, માનસર, નારણકા, મોડપર, વિરપરડા, હજનાળી, પીપળીયા, લૂંટાવદર, ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, બહાદુરગઢ, વાઘપર, પીલુડી, રાપર, ગાળા, સાપર, જસ્મતગઢ, જેતપર, જુના સાદુળકા, રવાપર નદી, કેરાળા, હરિપર (કેરાળા ), ટીમ્બડી, ધરમપુર, ઘૂંટુ, ઊંચી માંડલ, નીચી માંડલ, આંદરણા, ભડીયાદ (પાર્ટ ), લાલપર, ત્રાજપર (પાર્ટ ), શક્તસનાળા (પાર્ટ ), નાની વાવડી, બગથળા, ખીરઈ, કાજરડા, હરિપર, ફતેપર, સોનગઢ, રાસંગપર, વાધરવા, વીરવાદરકા, ખાખરેચી, વેજલપર, ઘાંટીલા, માંડરકી, કુંભારીયા, વેણસર, માણાબા, ચીખલી, વરડુસર, સુલતાનપુર, રોહિશાળા, નવાગામ, મોટી બરાર, જસાપર, નાની બરાર, જાજાસર, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર, બગસરા, વવાણીયા, ચમનપર, લક્ષ્મીવાસ, મોટા દહીંસરા, દહીંસરા નાના, ખીરસરા, વર્ષામેડી, લાવણપુર, કુંતાસી, બોડકી, મહેન્દ્રગઢ, દેરાળા, મેઘપર, સરવડ, ચાચાવદરડા અને તરઘરી સહિતના ગામોનો પાણી પ્રશ્ન કાયમી હલ થશે.52 ગામમાં બનશે પાણીના સંપ મોરબી-માળીયા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત શક્તિનગર (રવાપર નદી ), કિશનગઢ, ગુંગણ, ન્યુ ધરમપુર, ન્યુ બહાદુરગઢ, પીલુડી, જસ્મતગઢ, નવા નાગડાવાસ, પંચવટી (વાઘપર ), નવજીવનનગર (ખેવાળિયા ), કૃષ્ણનગર (ગુંગણ ), જેપુર, અંબાનગર(હજનાળી), માનસર, ન્યુ મોડપર, ધરમપુર, વનાળિયાં, કેરાળા, ખેવાળિયા, વાઘપર, ગોરખીજડીયા, જુના નાગડાવાસ, ભરતનગર (નવા સાદુળકા ), ટીમ્બડી, ગાળા, ખાખરાળાં, બરવાળા, નવા સાદુળકા, જેતપર, લાલપર, ઘૂંટુ, ભરતનગર (વાધરવા ), માંડરકી, વરડુસર, તાતાનગર (બોડકી ), વિજયનગર (માણાબા ), સુલતાનપુર, ધવનિયાનગર, વાધરવા, ખીરસરા, નવા દેરાળા, ઉમિયાનગર (સરવડ ), મહેન્દ્રગઢ, મેઘપર, નીરુબેન પટેલનગર (ચાન્ચા ), ચાચાવદરડા, ચીખલી, વિશાલનગર(સુલતાનપુર), દહીંસરા નાના, સરદારનગર (સરવડ ), વિવેકાનંદનગર (મોટા દહીંસરા ), બોડકી, હરિપર, કુંતાસી, વેજલપર, વેણાસર અને કાજરડા ગામે સંપ બનાવવામાં આવશે.