7 કલાક સુધી મહાપાલિકા કચેરીમાં શિસ્તબદ્ધ રીતે સ્થાનિકોએ આંદોલન ચલાવ્યું : છેલ્લે જતી વેળાએ કચેરીના કેમ્પસમાંથી ખાલી બોટલ સહિત તમામ કચરો પણ સાફ કર્યોમોરબી : મોરબી મહાપાલિકા કચેરીએ સાત-સાત કલાક ધામાં નાખ્યા બાદ અંતે પાણી પ્રશ્ને નિરાકરણની યોગ્ય ખાતરી મળતા ઋષભપાર્કના સ્થાનિકોએ જન આંદોલન સમેટી લીધું છે. હાલ સ્થાનિકો તેમના ઘરે જવા રવાના થતા મહાપાલિકાના અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. મોરબીબી ઋષભપાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો હતો. પાણી વગર 125 જેટલા પરિવારોની હાલત કફોડી બની હતી. જેથી આ વિસ્તારના લોકોએ આજે સવારે ઢોલ-નગારા સાથે રેલી સ્વરૂપે આવીને 11 વાગ્યાથી મહાપાલિકા કચેરીમાં પડાવ નાખ્યો હતો. મહાપાલિકા દ્વારા લેખિત બાહેંધરી આપવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ અહીંથી જશે નહિ તેવો નીર્ધાર જાહેર કરવામાં આવ્યો હતો.સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિકોએ અહીં ફટાણા, ગીતો, ધૂન-ભજન ગાયા હતા. જો કે પોલીસે અધિકારીઓને ડિસ્ટર્બ થતું હોવાનું જણાવતા સ્થાનિકોએ ધૂન-ભજન બંધ કરી દીધા હતા. ઉપરાંત અહીં કમ્પાઉન્ડમાં જ સ્થાનિકોએ સમૂહ ભોજન કર્યું હતું. બાદમાં સાંજે 7 વાગ્યાના અરસામાં અધિકારીઓએ યોગ્ય ખાતરી આપતા આગેવાનોએ જનઆંદોલન સમેટી લેવાનું એલાન આપ્યું હતું. આગેવાનના જણાવ્યા અનુસાર અધિકારીઓએ આ વિસ્તારમાં યોગ્ય રીતે પાણી પહોંચે, યોગ્ય સમયે પાણી મળે અને યોગ્ય માત્રામાં પાણી મળે તેની ખાતરી આપી છે. કાલથી વાલ્વ નાખવા માટે સર્વે કરવામાં આવશે. નવી ડીઆઈ પાઈપલાઈનનો પ્રોજેકટ છે તેને સમય લાગશે પણ તેનાથી આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે. આજથી અઠવાડિયા માટે દર બે દિવસે પાણી આવશે. ત્યાર સુધીમાં વાલ્વની સિસ્ટમ ગોઠવાઈ જશે અને નિયમિત પાણી આવશે. આ કાર્યક્રમ મહાપાલિકાને જગાડવા માટેનો હતો. અમારો તે ઉદ્દેશ સાકાર થઈ ગયો છે જેથી હવે શિસ્તબદ્ધ રીતે ઘરે પરત ફરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સ્થાનીકોનું આ જન આંદોલન શિસ્તબદ્ધ રહ્યું હતું. તેઓએ કચેરીના કામકાજમાં કોઈ ખલેલ ન પહોંચે તે રીતે ત્યાં પડાવ નાખ્યો હતો. ઉપરાંત અધિકારીઓના હોદાની ગરીમાં જળવાય તેનું પણ બખૂબી ધ્યાન રાખ્યું હતું. સાથોસાથ દિવસ દરમિયાન તેઓએ અનેક પાણીની બોટલનો વપરાશ કર્યો હતો. જતી વેળાએ કચેરીના પટાંગણમાં ખાલી બોટલ સહિત જે કઈ પણ કચરો હતો તે સ્થાનિકોએ સાફ કરી સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો.