પાણી પ્રશ્ને શરૂ કરેલી લડત લાંબી ચાલી, લેખિત બાહેંધરી ન મળે ત્યાં સુધી કચેરીએથી ન જવાનું રહીશોનું એલાન : કચેરીમાં તબલા-મંજીરાના તાલે ધૂન-ભજન શરૂ કર્યા, પણ પોલીસે બંધ કરાવી દીધામોરબી : મોરબીમાં ઋષભપાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને અનોખું જનઆંદોલન છેડયું છે. જેમાં તેઓએ છેલ્લા 6 કલાકથી પણ વધુ સમયથી મહાપાલિકામાં પડાવ નાખેલો છે. હજુ પણ રહીશો જ્યાં સુધી લેખિત બાહેંધરી ન મળે ત્યાં સુધી મહાપાલિકાએથી નહિ હટવાની વાત ઉપર અડગ છે. મોરબીની ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને વાજતે ગાજતે રેલી કાઢી મહાપાલિકા કચેરીએ ધામાં નાખ્યા છે. અહીં મહિલાઓએ ફટાણા અને રામધૂન ગાઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે મહાપાલિકા હાય-હાયના નારા પણ લગાવ્યા હતા. આ સોસાયટીમાં 125 જેટલા મકાનો છે. વર્ષોથી પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. જેથી આજે તેઓએ અનોખો રીતે જનઆંદોલન શરૂ કર્યું છે.બપોરે સ્થાનિકોએ ભોજન પણ મહાપાલિકા કચેરીએ જ લીધું હતું. રહીશોને પડાવ નાખ્યાને 6 કલાકથી પણ વધુ સમય થઇ ગયો છે. હજુ સાંજ સુધીમાં જો અધિકારીઓ દ્વારા લેખિત બાહેંધરી આપવામાં નહિ આવે તો સાંજે વારૂ-પાણી પણ અહીં જ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ તબલા અને મંજીરાના તાલે ધૂન-ભજન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે પોલીસે આવીને એમ કહ્યું કે સાહેબને ડીસ્ટર્બ થાય છે. એટલે અમે ધૂન ભજન બંધ કરી દીધા હતા. સતા પાસે શાનપણ નકામું છે. આ અધિકારીઓને અમારો પ્રશ્ન ધ્યાને આવતો નથી પણ અત્યારે ડિસ્ટર્બ થાય છે. અમે જ્યાં સુધી અમારો પ્રશ્ન ઉકેલાશે નહિ ત્યાં સુધી અહીંથી હટવાના નથી.