ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની જવાબદારી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડને સોંપવામાં આવીમોરબી : મોરબી મહાનગરપાલિકા તથા મોરબી-વાંકાનેર શહેર વિકાસ સત્તામંડળ દ્વારા શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને પ્રાધાન્ય આપી મોરબી શહેરની નવી વિકાસ યોજના ( ડેવલોપમેન્ટ પ્લાન) તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GTPCL) ને સોંપવામાં આવી છે. મોરબી શહેરની વધતી વસ્તી, વિસ્તૃત થતો વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આગામી 20 વર્ષ માટે સુવ્યવસ્થિત વિકાસ આયોજન આ યોજના દ્વારા તૈયાર થશે.વિકાસ યોજના શહેરના લાંબા ગાળાના વિકાસ માટેનું મહત્વપૂર્ણ વિઝન ડોક્યુમેન્ટ છે, જેમાં રોડ નેટવર્ક, રિંગ રોડ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ સુવિધા, જાહેર પરિવહન, ગ્રીન ઝોન, ગાર્ડન, ખેલ મેદાન, રહેણાંક ઝોન, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન, પાણી પુરવઠો, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર સિસ્ટમ, આરોગ્ય તથા શિક્ષણની આવશ્યક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ આયોજનના અમલથી મોરબી શહેરમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના થશે અને ભાવિ જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ બની શકશે.વિકાસ યોજના જાહેર થયા પછી શહેરના વિવિધ વિસ્તારોમાં મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ (TP) શાખા દ્વારા વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી ( BU) તથા વિવિધ મંજૂરીઓ (NOC & Layout Approval) નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. જેના કારણે બાંધકામ અને શહેરી વિકાસની પ્રક્રિયા વધુ ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે આગળ વધશે અને નાગરિકોને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.આને ધ્યાને લેતા મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં સેમીનાર તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, જેમાં શહેરના નાગરિકો પાસેથી તેમના મંતવ્યો, સૂચનો અને સલાહ મેળવવામાં આવશે. નાગરિકોના સક્રિય સહભાગથી આ વિકાસ યોજના વધુ અસરકારક અને સફળ બને તેવી અપેક્ષા છે.તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.