જેતપર-શાપર ગામે ધોડાધ્રોઈ નદી પર ચેકડેમ બનશે, મોટી બરાર-જસાપર ગામના તળાવને જોડવાની કામગીરી, એસ્કેપથી મેઘપર ગામના તળાવને જોડવાની કામગીરી કરાશેમોરબી : રાજકોટ સિંચાઈ વર્તુળ, રાજકોટ સિંચાઈ વિભાગ- મોરબી દ્વારા મોરબી જિલ્લામાં વિવિધ 3 કામના ખાતમુહૂર્ત તથા કામને મંજૂરી આપી છે. જેમાં જેતપર-શાપર ગામે ધોડાધ્રોઈ નદી પર ચેકડેમ બનાવવાનું કામ, મોટી બરાર-જસાપર ગામના તળાવને જોડવાની કામગીરી, એસ્કેપથી મેઘપર ગામના તળાવને જોડવાની કામગીરી કરાશેમોરબીના જેતપર-શાપર ગામે ધોડધ્રોઈ નદી પર ચેકડેમ બનાવવામાં આવશે. આ કામ માટે સરકાર દ્વારા 2,04,92,900 રૂપિયાના કામની મંજૂરી આપવામાં આવી છે. ઘોડાધ્રોઈ નદી પર આશરે 103 મીટર લંબાઈમાં ક્રોંક્રીટનો ચેકડેમ બાંધવાથી ઉપરવાસમાં 1 કિલોમીટર જેટલો પાણીનો ભરાવો થવાથી 2.90 MCFT પાણીનો સંગ્રહ થશે. જેનો કુલ કેચમેન્ટ એરીયા 212 ચો. કિમી જેટલો રહેશે. જેનાથી જેતપર અને શાપર ગામની આશરે 100.00 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે.આ ઉપરાંત મચ્છુ-3 સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલના છેવાડેથી માળિયા (મિયાણા) તાલુકાના મોટીબરાર-જસાપર ગામના તળાવને ભરવાની માગ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રજૂઆત મળી હોય સરકારમાંથી આશરે 3,03,24,883 રૂપિયાના કામની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી બરાર, જસાપર, નાની બરાર, દેવગઢ અને જાજાસર ગામના તળાવને મેઈન કેનાલના છેવાડેથી પાઈપલાઈન દ્વારા એસ્કેપથી જોડી પાણીથી ભરી ગામોની અંદાજે 500.00 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત મચ્છુ-3 સિંચાઈ યોજનાની ચાર માઈનોર કેનાલના એસ્કેપના કામો પૈકી બાકી રહેલ એક માઈનોર કેનાલ એસ્કેપનું કામ એમટુઆર માઈનોર કેનાલ છેવાડેથી પાણીના નિકાલ માટે એસ્કેપ દ્વારા માળિયાના મેઘપર ગામના તળાવને ભરવાની કામગીરી કરાશે. જેના માટે સરકાર દ્વારા આશરે 50,65,240 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ તળાવ ભરવાથી મેઘપર ગામના તળાવની આસપાસની 150.00 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે અને કુવાઓ ચાર્જ થશે અને જમીનના પાણીના તળ ઉંચા આવશે.