મોરબી : મોરબીના શનાળા પાસે થોડા દિવસ પૂર્વે ગૃહમંત્રીના આગમનને લઈને રોડ પરના તમામ સ્પીડબ્રેકર કાઢી નાખવામાં આવ્યા હતા. જો કે સ્થાનિકોએ ફરીથી સ્પીડબ્રેકર બનાવી દેવા ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈને જ્યાંથી સ્પીડબ્રેકર હટાવી દેવાયા હતા ત્યાં ફરીથી સ્પીડબ્રેકર બનાવી દેવામાં આવ્યા છે.તંત્ર દ્વારા શનાળા પાસે તમામ ક્રોસિંગ પરના સ્પીડબ્રેકરો હટાવી દેવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, આ રોડ પર વાહનોની અવર જવર રહેતી હોય છે અને અહીંયા શક્તિ માતાજીનું મંદિર આવેલું હોય મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતાં હોય છે તેથી સ્પીડબ્રેકર ન હોવાના કારણે અકસ્માત થવાનો ભય ઉભો થયો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવાનો પણ કાર્યક્રમ યોજાનાર હતો પરંતુ તંત્રએ સતર્ક થઈને આજ સવારથી જ તાત્કાલિક સ્પીડબ્રેકરો બનાવવાનું કામ શરૂ કરી દીધું હોય ચક્કાજામનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો.