કમોસમી વરસાદને પગલે વાવેતર 15 દિવસ મોડું શરૂ થયું : હજુ જાન્યુઆરી સુધી વાવેતર ચાલે તેવી શકયતા : ચણા, રાઈ, જીરૂ અને ઘઉંનું સૌથી વધુ વાવેતર મોરબી : મોરબી જિલ્લામાં શિયાળુ પાકની સિઝન સરેરાશ 15 દિવસ મોડી શરૂ થઈ છે. હાલ સુધીમાં જિલ્લામાં 33,531 હેકટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે. હજુ પણ આગામી જાન્યુઆરી માસ સુધી વાવેતરની કામગીરી ચાલે તેવી ખેતીવાડી વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની સહન કરવી પડી હતી. ઘણા ખેડૂતોને પાક લણવામાં તથા ખેતરમાં પડેલો પાક નાશ પામતા તેને ઉઠાવવામાં મોડું થઈ ગયું હતું. જેની અસર હવે શિયાળુ વાવેતરમાં દેખાઈ રહી છે. જિલ્લામાં શિયાળુ વાવેતર સરેરાશ 15 દિવસ મોડું શરૂ થયું છે. મોરબી જિલ્લામાં 3,27,554 હેકટર જેટલો ખેડવાણ વિસ્તાર છે. જેમાં સામાન્ય રીતે 1.65 લાખ હેકટર જમીનમાં વાવેતર થતું હોય છે. આ વખતે અત્યાર સુધીમાં 33,531 હેકટરમાં શિયાળુ વાવેતર થયું છે. જેમાં ચણા, રાય, જીરું અને ઘઉ સહિતના પાકોનું વાવેતર વધુ થયું છે. સામાન્ય રીતે ડિસેમ્બર સુધીમાં શિયાળુ પાકનું વાવેતર થઈ જતું હોય છે. પણ આ વખતે જાન્યુઆરી મહિના સુધી વાવેતર ચાલશે તેવી ખેતીવાડી વિભાગે શકયતા વ્યક્ત કરી છે.ક્યાં પાકનું કેટલું વાવેતર થયું છે તેના આંકડા જોઈએ તો સૌથી વધુ ચણાનું વાવેતર થયું છે. જિલ્લામાં 13,216 હેકટર જમીન ઉપર ખેડૂતોએ ચણા વાવ્યા છે. બીજા ક્રમે જીરૂનું વાવેતર થયું છે. 9620 હેકટર જમીન ઉપર જીરૂ વાવવામાં આવ્યું છે. ત્રીજા ક્રમે રાઈનું વાવેતર થયું છે. ખેડૂતોએ 4270 હેકટર જમીન પર રાઈ વાવી છે. જ્યારે ચોથા નંબરે ઘઉંનું વાવેતર થયું છે. જિલ્લાની 4020 હેકટર જમીન પર ઘઉં વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 285 હેકટરમાં ધાણા, 800 હેકટરમાં લસણ, 450 હેકટરમાં વરિયાળી, 25 હેકટરમાં ડુંગળી, 65 હેકટરમાં શાકભાજી, 780 હેકટરમાં ઘાસચારો અને 50 હેકટરમાં મેથીનું વાવેતર કરવામાં આવ્યું છે.સૌથી વધુ હળવદ તાલુકામાં 27,590 હેકટરમાં વાવેતરહળવદ તાલુકાનો ખેડવાણ વિસ્તાર 86,917 હેકટર જેટલો છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ વાવેતર હળવદ તાલુકામાં થયું છે. જેમાં 12030 હેકટરમાં ચણા, 6910 હેકટરમાં જીરું, 4200 હેકટરમાં રાય, 2360 હેકટરમાં ઘઉં, 285 હેકટરમાં ધાણા, 760 હેકટરમાં લસણ, 400 હેકટરમાં વરિયાળી, 25 હેકટરમાં ડુંગળી, 20 હેકટરમાં શાકભાજી, 600 હેકટરમાં ઘાસચારો મળી કુલ 27,590 હેકટરમાં વાવેતર થયું છે.સૌથી ઓછું વાવેતર માળિયા અને મોરબી તાલુકામાંમાળિયા અને મોરબી તાલુકામાં સૌથી ઓછું વાવેતર થયું છે. માળિયા તાલુકાનો ખેડવાણ વિસ્તાર 49,079 હેકટર છે. સરકારી ચોપડે હાલ આ તાલુકામાં માત્ર 350 હેકટર જમીનમાં જીરુંનું વાવેતર થયાનું જ નોંધાયું છે. જ્યારે મોરબી તાલુકાનો ખેડવાણ વિસ્તાર 91,790 હેકટર છે. જેમાં 250 હેકટરમાં ચણા, 150 હેકટરમાં જીરૂ, 80 હેકટરમાં ઘઉં, 40 હેકટરમાં લસણ, 50 હેકટરમાં વરિયાળી, 70 હેકટરમાં ઘાસચારો મળી 640 હેકટરમાં વાવેતર થયું છે.