વાંકાનેર: વાંકાનેર તાલુકાના તીથવા ગામે દારૂબંધી હોવા છતાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સાથે 50 થી 60 જેટલા લોકોએ રેલી સ્વરૂપે ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી. જેથી આ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર, વાંકાનેરને લેખિતમાં રજૂઆત કરી છે.ગ્રામજનોની મુખ્ય ફરિયાદ એ છે કે, તીથવા ગામમાં પોલીસ આઉટ પોસ્ટ હોવા છતાં બીટ જમાદાર સ્થળ પર હાજર રહેતા નથી. આ કારણે દારૂબંધી કે અન્ય કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માટે ક્યાં જવું તેવો સવાલ ગ્રામ પ્રજાજનોમાં ઊભો થયો છે. તીથવા ગ્રામજનોએ પોલીસ આઉટ પોસ્ટ પર નિયમિત હાજરી તથા દારૂના વેચાણ પર કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી છે.