ફેવિકોલ બનાવતી પીડીલાઈટ કંપનીના ટ્રેડમાર્કનો ઉપયોગ કરનાર બે ઝડપાયા : 15 લાખથી વધુનો જથ્થો કબ્જે, નકલી બેગ પ્રિન્ટ કરનાર વિરુદ્ધ પણ ગુન્હોમોરબી : વૈશ્વિક સિરામિક હબ મોરબીમા લાલપર નજીક ફેવિકોલ બનાવતી પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝના નામે ટાઇલ્સ ચોંટાડવાનું નકલી કેમિકલ બનાવી બજારમાં સસ્તા ભાવે કેમિકલ પાવડરની બેગ વેચાણ કરતી ફેકટરીમાં કંપનીના માણસોને સાથે રાખી પોલીસે દરોડો પાડી 15 લાખથી વધુનો જથ્થો ઝડપી લઈ બે આરોપીઓને અટકાયતમાં લઈ નકલી કેમિકલ ભરવા માટે બેગ બનાવી આપનાર આરોપી વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ફેકટરીમાં પીડીલાઈટ કંપનીના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી કંપનીના ટાઇલ્સ ચોંટાડવાના કેમિકલ ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા પીડીલાઈટ કંપનીના કર્મચારી મલયભાઈ યોગેશભાઈ શાહ દ્વારા મોરબી એલસીબીને અરજી કરતા ગઈકાલે એલસીબી ટીમે કંપનીના માણસોને સાથે રાખી લાલપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડો પાડ્યો હતો.વધુમાં દરોડા દરમિયાન લાલપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ એબીએસ બિલ્ડ ઇન્ડિયા નામના કારખાનામાં આરોપી શિરીષ અમરીશભાઈ પટેલ રહે.કન્યા છાત્રાલય રોડ, સરદાર નગર,2 મૂળ રહે.રાજપર અને આરોપી અનિલ હરિભાઈ બાવરવા ઉ.48 રહે.જીઆઇડીસી પાછળ, ચિત્રકૂટ વાળાઓ ફેકટરીમાં હાજર મળી આવ્યા હતા અને ફેકટરી ચેક કરતા ફેક્ટરીમાંથી પીડીલાઈટ કંપનીના નકલી ટાઇલ્સ ચોંટાડવાના કેમિકલ ભરેલી 1961 બેગ કિંમત રૂપિયા 14,41,335, ખાલી બેગ નંગ 1370, પ્રિન્ટિંગ મશીન અને સિલાઈ મશીન સહિત 15,18,485નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓની પૂછતાછમાં નકલી કેમિકલ બનાવવા માટે અસલી જેવી જ બેગ આરોપી મયુર જયસુખભાઈ સાંગાણી રહે.મહેન્દ્રનગર મોરબી વાળા પાસે બનાવડાવી ફેકટરીમાં જ નકલી કેમિકલ ભરી વેચાણ કરતા હોવાનું કબુલતા એલસીબી પોલીસે પીડીલાઈટ કંપનીના કર્મચારીની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કોપીરાઈટ એકટના ભંગ સબબ ફરિયાદ દાખલ કરાવી હતી.