મોરબી: તાજેતરમાં ગુજરાત રાજ્ય કક્ષાની પાવર લિફ્ટિંગ 2026 સ્પર્ધાનું આયોજન તારીખ 23/11/2025 ના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના ટીકર (રણ) ગામના વતની અને નાલંદા વિદ્યાલયમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા માત્ર 9 વર્ષના હાર્દ ક્રિપાલભાઈ બાપોદરીયાએ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ નંબર મેળવ્યો છે અને ગોલ્ડ મેડલ જીતીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.ખાસ વાત એ છે કે, 9 વર્ષની નાની ઉંમર ધરાવતા હાર્દ બાપોદરીયાનું વજન માત્ર 40 કિલોગ્રામ છે, તેમ છતાં તેણે આ સ્પર્ધામાં 140 કિલોગ્રામનું ફૂલ પાવર લિફ્ટિંગ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હાર્દની આ સિદ્ધિ બદલ તેણે સમગ્ર ગુજરાત રાજ્ય અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દ બાપોદરીયાએ ગત વર્ષે 2025 માં પણ આ સ્પર્ધામાં બીજો નંબર મેળવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.