વાંકાનેર : વાંકાનેરની શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની ધોરણ 10ની વિદ્યાર્થિની ધ્રુવી દિવ્યેશભાઈ માંડલિયાએ GUJCOST અને SAC–ISRO ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ISRO ખાતેના યંગ સાયન્ટિસ્ટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાંથી ફક્ત એક વિદ્યાર્થિની એલ. કે. સંઘવી વિદ્યાલયમાંથી પસંદ થઈ હતી. તે બદલ શાળા પરિવાર, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, બી આર સી ભવન વાંકાનેર ગૌરવની લાગણી અનુભવે છે.સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 91 વિદ્યાર્થીઓ પસંદ થયેલા જેમાં 32 બહેનો હતા. જેમાં વિદ્યાભારતી ટ્રસ્ટની ધ્રુવી માંડલિયાની પસંદગી માટે ટ્રસ્ટ મંડળ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે. રાજ્ય સ્તરના યંગ સાઇન્ટીસ્ટ કાર્યક્રમનો હેતુ ભાવિ પેઢીને સ્પેસમાં રસ રુચિ વધે એવો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાત વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મળ્યું હતું અને આઠ દિવસ સુધી આ કાર્યક્રમમાં ધ્રુવી માંડલીયાએ વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ, સેટેલાઈટ મોડેલિંગ, સ્પેસ સાયન્સ વર્કશોપ કર્યો હતો. ISROના વૈજ્ઞાનિકો સાથેના પ્રતિભાવ સંવાદ સત્રો અને સ્પેસ ટેક્નોલોજીના સત્રો ભર્યા હતા. ધ્રુવીની આ સફળતા અને પસંદગી માટે ધ્રુવીના માતા પિતા, શાળાના આચાર્ય દર્શનાબેન, વિજ્ઞાન શિક્ષક અમીષાબેન વરમોરા અને લોક વિજ્ઞાન કેન્દ્રના દીપેનભાઈ ભટ્ટનો વિશેષ આભાર માને છે. આ વિદ્યાર્થી બહેનના પ્રમાણ પત્ર અને ઈનામ વિતરણ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી, વિનુભાઈ રૂપારેલીયા અને ટ્રસ્ટી કલ્પેદુભાઇ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ ભાવિ સમયમાં વિજ્ઞાન ક્ષેત્રે મહાન યોગદાન આપી શકે તેવી શુભેચ્છા આપી અને બહેનો માટે સાયન્સ ક્ષેત્રે સરકારે આપેલી સવલતો અને આર્થિક સહાયની વાત રજૂ કરી હતી.