જવાબદાર અધિકારી અહીં આવીને જુએ, કેવું કામ થાય છે, અમે હવે ફરી ચક્કાજામ કરીશું : રોષે ભરાયેલા સ્થાનિકોની ચીમકીકોન્ટ્રાકટરે નીચે ટેકો સરખો રહ્યો નહિ હોય એટલે એવું થયું, કામ નબળું છે તેવી અફવા ન ફેલાવો : સિંચાઈ અધિકારી લાજવાને બદલે ગાજયામોરબી : મોરબીમાં દલવાડી સર્કલથી આવાસ જવાના રસ્તે બનતું નાલું બેસી ગયું હોવાનું જણાવીને સ્થાનિકોએ કામ અટકાવી દીધું છે. વધુમાં સ્થાનિકોએ જવાબદાર અધિકારી આ કામ જોવા આવે અને વ્યવસ્થિત કામ કરાવે તેવી માંગ ઉઠાવી છે. સાથે યોગ્ય કામ નહીં થાય તો ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી છે. મોરબીમાં દલવાડી સર્કલથી આવાસ યોજના જવાનો જે રસ્તો છે. ત્યાં વચ્ચે કેનાલ ઉપર એક નાલું આવેલું છે. જેના પરથી દરરોજ હજારો લોકોની અવરજવર છે. આ નાલું તૂટેલું હાલતમાં હતું. સ્થાનિકોએ ચક્કાજામનો કાર્યક્રમ કર્યા બાદ આ નાલાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ નાલાના કામમાં લોલમલોલ ચાલતું હોય હજુ તો કામ શરૂ છે ત્યાં જ નાલું બેસી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વધુમાં આજે સાંજે સ્થાનિકોએ એકત્ર થઈને આ નાલાનું કામ અટકાવી દીધું છે.અહીંના સ્થાનિક કેશુભાઈ પટેલે જણાવ્યું કે આ નાલાનું કામ એકદમ નબળું છે. સ્લેબના સળિયા બેસી ગયા છે. ભારે વાહન ચાલશે તો આ નાલું ક્યારે સાવ બેસી જાય તેનું નક્કી નહિ. આંદોલન કર્યું ત્યારે એમ કહ્યું કે 8-10 દિવસમાં કામ શરુ થશે. તેની બદલે એક મહિના જેટલો સમય બાદ કામ શરૂ થયું હતું. જીવરાજભાઈ પનારાએ કહ્યું કે 9 મહિને દીકરો આવ્યો તે પણ ખોડખાપણ વારો આવ્યો છે. આ નાલુ 8થી 9 મહિના બિસ્માર રહ્યું. ચક્કાજામ કર્યા બાદ મોડું મોડું કામ શરૂ કર્યું. કામ હજુ તો ચાલુ છે. ત્યાં નાલું બેસી ગયું છે. ઉમા, તુલસી, સરદાર-3, ધરતી ધર્મ સહિતની સોસાયટીઓ અહીં આવેલી છે. દરરોજ અંદાજે 5 હજાર લોકોની આ નાલા પરથી અવરજવર છે. બાજુના કાચો રસ્તો છે તે રીપેર કરવા કહ્યું હતું. તે પણ રીપેર કર્યો નથી. નાલું થોડુ પહોળું બનાવે તેવી માંગ છે. જવાબદાર અધિકારી આ કામ જોવા આવે. કામ યોગ્ય નહિ થાય તો ફરી ચક્કાજામ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સિંચાઈ અધિકારી આર.જે.પરમારે આ અંગે જણાવ્યું કે કોંક્રિટ ઠાલવ્યું હશે. ત્યારે કોન્ટ્રાકટરે નીચે ટેકો સરખો રાખ્યો નહિ હોય. જેથી કોન્ટ્રાકટને સલાહ આપી દીધી છે. આ અંગે અફવા ફેલાવવામાં ન આવે. કામ નબળું છે તેવો પુરાવો આપો. આમ આ ઘટનામાં સિંચાઈ અધિકારી લાજવાને બદલે ગાજયા છે. વધુમાં તેઓએ કહ્યું કે નાલું રૂ.2.36 લાખના ખર્ચે બની રહ્યું છે. 4 મહિનાની સમય મર્યાદા છે. જેને હજુ 1 મહિનો બાકી છે.