વિશ્વભરની સિરામિક ઈન્ડસ્ટ્રીને પાણી પીતા કરવાનું કામ મોરબીના ભાયડાઓએ કર્યું, સિરામિક હોય કે પછી ઘડિયાળ દરેક ક્ષેત્રમાં મોરબીએ વિશ્વભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું છે : કેન્દ્રીય ગૃહમંત્રીએ મોરબીની મહેનતને બિરદાવીમોરબી : 19 વર્ષ જેટલા લાંબા સમય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોરબી આવ્યા હતા. તેઓના હસ્તે ભાજપ કાર્યાલય મોરબીનું ઉદઘાટન થયુ હતું. આ વેળાએ તેઓએ મોરબીની ખુમારી અને મહેનતને બિરદાવીને કહ્યું હતું કે મોરબી પંથક તો લડાયકોનો પંથક છે. કમલમ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ખૂબ લાંબા સમય બાદ મોરબી આવ્યો છું. મોરબી પંથક લડાયકોનો પંથક છે. ગમે તેવી મુસીબત આવે માનવીય ખુમારીથી ઉભા થવાની કળા મોરબીમાં છે. હું નાનો હતો ત્યારે મોરબીમાં મચ્છુ નદીમાં જળ પ્રલય થયો હતો જેમાં આખું મોરબી તબાહ થઈ ગયું હતું. જો કોઈ બીજું શહેર હોત તો તે શહેરને ઉભા થવામાં લાંબો સમય લાગી જાત પરંતુ આજે કોઈ મોરબી જુએ તો લાગે કે જળ પ્રલયનું અહીં કોઈ નામોનિશાન પણ નથી.મોરબીમાં સિરામિક ઉદ્યોગની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઉદ્યોગ માટે જરૂરી ચીજવસ્તુઓ જોઈએ તેમાંનું કશુ પણ મોરબીમાં ન હતું. પરંતુ મોરબીના પાટીદાર સમાજે નક્કી કર્યું કે સિરામિક ઉદ્યોગ નાખવો તો વતનમાં જ નાખવો. આજે સિરામિક ઉદ્યોગ માટે સૌથી અનુકુળ જગ્યા મોરબી બની ગયું છે. વિશ્વભરની સિરામિક ઈન્ડસ્ટ્રીને પાણી પીતા કરવાનું કામ મોરબીના ભાયડાઓએ કર્યું છે. સિરામિક હોય કે પછી ઘડિયાળ દરેક ક્ષેત્રમાં મોરબીએ વિશ્વભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું છે.મોડેલ કાર્યાલય કેવું હોવું જોઈએ તે જોવું હોય તો મોરબીનું કાર્યાલય જુઓઆપણા સૌના માટે ભાજપનું કાર્યાલય એ આપણું બીજું ઘર છે. કાર્યાલય કેવું હોવું જોઈએ એનું મોડેલ કોઈને બતાવવું હોય તો હું અત્યાર સુધી તેલંગણા મોકલતો હતો પરંતુ હવે મોરબી મોકલીશ. મોડેલ કાર્યાલય કેવું હોવું જોઈએ એ જોવું હોય તો મોરબીનું કમલમ કાર્યાલય જોવું જોઈએ. કાર્યાલય બનાવવા માટે જે કોઈએ મહેનત કરી છે તે તમામ કાર્યકરોને વંદન કરું છું. આ કાર્યાલયમાં કોન્ફરન્સ રૂમ, અધ્યક્ષનો રૂમ, મહાસચિવનું કાર્યાલય, મહિલા મોરચા અને મોરચાઓની ચેમ્બર, આઈટીની ચેમ્બર, ઓડિટોરિયમ, ભોજનની વ્યવસ્થા, કોલ સેન્ટર અને સૌથી અગત્યનું કામ લાઈબ્રેરી બનાવવાનું કામ આ કાર્યાલયમાં થયું છે. આપણી પાર્ટી ચાલવાનો આધાર નેતા નહીં પણ આપણું સંગઠન અને સિદ્ધાંતો છે. મોરબીનું કમલમ કાર્યાલય તમામ સુવિધાથી યુક્ત, આધુનિક અને પરંપરાઓની જાળવણી કરવા વાળું કાર્યાલય બન્યું છે તે બદલ સૌ કાર્યકરોને હું અભિનંદન પાઠવું છું. આ કાર્યાલય ભાજપના પ્રચાર-પ્રસારનું એક મોટું કેન્દ્ર બનશે.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થશેજે લોકો ભાજપ અને એનડીએના વળતા પાણીની વાત કરતાં હતા તેમણે બિહારની જનતાએ જવાબ આપ્યો છે અને બહુમતીથી સરકાર બની છે. જે લોકો વળતા પાણીની વાત કરતાં હતા તેઓ કાન ખોલીને સાંભળી લે કે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ અને એનડીએની સરકાર બનવાની છે. બિહારમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા હતા. મતબેંકની લાલચમાં ઘુસપેઠિયાઓના સમર્થનમાં રેલી કાઢી. પરંતુ જનતાએ ઘુસપેઠિયા મુક્ત બિહાર માટે ભાજપ અને એનડીએને મત આપ્યા. ભાજપ સરકારનો સંકલ્પ છે કે દેશભરમાંથી ઘુસપેઠિયાઓને વીણી વીણીનો બહાર કાઢવામાં આવશે. હું એક ભવિષ્યવાણી કરું છું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે તેવી ન થાય ત્યાં સુધી આપણે પગવાળીને બેસવાનું નથી.