ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાયો : મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિતમોરબી : મોરબીમાં શનાળા બાયપાસ નજીક 20 હજાર ફૂટમાં નિર્માણ થયેલ નવનિર્મિત ભાજપ કાર્યાલય કમલમનું આજે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ વેળાએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છથી હેલિકોપ્ટર મારફત રવાપર-ઘુનડા રોડ ઉપર બનેલા હેલિપેડ ખાતે આવ્યા હતા. જ્યાંથી તેઓ કમલમ સુધી કારમાં આવ્યા હતા. આ વેળાએ રસ્તામાં વિવિધ સંગઠનો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ કમલમ પહોંચી કાર્યાલયનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા ભાજપની ટીમને બિરદાવી હતી. બીજી તરફ અહીં સ્ટેજ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેથી ખુરશીઓ ઘટતા લોકોને પલાઠી વાળી નીચે બેસવુ પડયું હતું. વધુમાં ચાલુ સ્પીચ દરમિયાન એક બાળક ગૃહમંત્રીની ફોટોફ્રેમ દેખાડતો હતો. ત્યારે ગૃહમંત્રીએ પોતાની સ્પીચ અટકાવી બાદમાં ફોટો લેવાનું કહ્યું હતું. ત્યારપછી તેઓ આ ફોટો સ્વીકારવા ગયા પણ હતા. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમનો સંકલ્પ હતો કે ભાજપના કાર્યકરોનું સારું ઘડતર થાય, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી શકાય, કાર્યકરોનું પ્રશિક્ષણ સારી રીતે થઈ શકે તે અને ભાવિ ભારતનું સારું ઘડતર થઈ શકે તે માટે દેશના દરેક જિલ્લામાં કમલમ કાર્યાલયનું નિર્માણ થાય. મને કહેતા ગૌરવ થાય છે કે, આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભાજપનું કમલમ કાર્યાલય બની ચુક્યું છે. ભાજપનો કાર્યકર્તા ઘર અને પરિવાર કરતાં વધુ મહત્વ રાષ્ટ્ર અને પાર્ટીને આપી રહ્યો છે તેનો મને આનંદ છે. મોરબી જિલ્લામાં બનેલું આ કમલમ કાર્યાલય બનાવવામાં તમામ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે તે બદલ સૌને હું અભિનંદન પાઠવું છું.કમલમમાં શુ શુ સુવિધાઓ ?શનાળા બાયપાસ નજીક 20 હજાર ફૂટમાં ભાજપ કાર્યાલય કમલમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભોજનાલય, પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, ધારાસભ્ય અને સંસદ સભ્યોની અલગ ચેમ્બર, લાયબ્રેરી, આઇટી સેલની ચેમ્બર, 350 કાર્યકર્તાઓ બેસી શકે તેવું ઓડિટોરિયમ છે.