અહીં કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ હેલિકોપ્ટર મારફત અમદાવાદ જશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે : 1 એસપી, 6 ડીવાયએસપી, 11 પીઆઇ સહિત 538 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત મોરબી : મોરબીમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. તેઓના હસ્તે જિલ્લા ભાજપના કમલમ કાર્યાલયનું ઉદઘાટન થવાનું છે. તેઓનું કચ્છથી બપોરે 2:50 કલાકે રવાપર- ઘુનડા રોડ ઉપર બનેલા હેલીપેડમાં આગમન થશે. ત્યાંથી તેઓ કારમાં બેસી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શનાળા બાયપાસ નજીક આવેલા કમલમ ખાતે પહોંચશે. અમિત શાહ અંદાજે એક કલાક જેટલું મોરબીમાં રોકાણ કરશે. કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ હેલિકોપ્ટર મારફત અમદાવાદ જવા રવાના થશે. ત્યાંથી તેઓ દિલ્હી જશે. અમિત શાહના મોરબીના કાર્યક્રમ માટે 1 એસપી, 6 ડીવાયએસપી, 11 પીઆઇ, 23 પીએસઆઈ , 327 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, 170 હોમગાર્ડ/ જીઆરડી મળી કુલ 538 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અમિત શાહની મુલાકાતને પગલે રવાપર- ઘુનડા રોડથી રાજપર ચોકડી જવાનો રોડ ઉપર ઠેક ઠેકાણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુમાં અમિત શાહનું સિરામિક, પેપર મિલ સહિતના 24 એસોસિએશન અને સાધુ સંતો અને 32 જેટલા સમાજના આગેવાનો સન્માન કરશે. બીજી તરફ અમિત શાહ પહેલા કમલમનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ કાર્યાલયની વિઝિટ કરશે. સાથે સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપશે. આ વેળાએ પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે.