જેવી રીતે કમલમ બનાવ્યું તેવી રીતે મોરબીમાં હોસ્પિટલ, કોલેજો અને રોડ રસ્તા બનાવો : આપના આગેવાનોની માંગમોરબી : દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે મોરબીની મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓને મોરબીના પાયાના પ્રશ્નોને લઈને આવેદન આપવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. મોરબીના શનાળા બાયપાસ પાસે નિર્મિત કમલમનું આજે બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન થવાનું છે. ત્યારે વિવિધ પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના પંકજ રાણસરિયા સહિતના આગેવાનો અમિત શાહને આવેદન આપવા જતા હતા. જો કે પોલીસે તેમને ત્યાં જતા રોકીને અટકાયત કરી લીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનોએ માંગ કરી છે કે જે રીતે સુવિધા સભર કમલમ બનાવવામાં આવ્યું છે. તેવી રીતે મોરબીમાં હોસ્પિટલ, કોલેજ અને રોડ રસ્તા બનાવવામાં આવે. ઉપરાંત આવેદનમાં મોરબીના પ્રાણ પ્રશ્નો જેવા કે સિરામિક પર જીએસટીમાં ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, મોરબી જિલ્લાની ત્રણેય બ્રાંચ કેનાલના ધોરિયાના વર્ષો જુના કામ પડતર છે તે પૂર્ણ કરવામાં આવે, રોડ-રસ્તા, સફાઈ, ભુગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે, ઐતિહાસિક ધરોહરની સારસંભાળ રાખવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે.