ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કામગીરી કરવામાં આવી, ભ્રષ્ટાચારની વાત વ્યાજબી નથીઃ કાર્યપાલક ઈજનેરમોરબી : થોડા દિવસ પહેલા ખાખરેચી અને રોહિશાળા વચ્ચે નાખવામાં આવી રહેલી પાણીની પાઈપલાઈનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી હતી. જો કે આ અંગે મોરબી પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર મહેશ દામાએ સ્પષ્ટતા કરી છે અને આરોપોને ફગાવ્યા છે. કાર્યપાલક ઈજનેર મહેશ દામાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા કોંગ્રેસના આગેવાન દ્વારા રોહિશાળા ગામે પાણીની પાઈપલાઈનમાં ભ્રષ્ટાચારની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, મોરબી અને માળિયા તાલુકાના ગામોમાં મોરબી-માળિયા-જોડિયા યોજના મંજૂર કરવામાં આવી છે. 18 મહિનામાં આ યોજના પૂરી થશે અને 18 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીનો વર્ક ઓર્ડર માર્ચ 2025માં આપવામાં આવ્યો હતો.જેમાં ખાખરેચીથી રોહિશાળા સુધી 100 મીલી મિટરની ડીઆઈ પાઈલપાઈનનો સમાવેશ થયેલો છે. જે તે વખતે સર્વે કરીને 3 ફૂટની ઉંડાઈએ પાઈપલાઈન નાખવાનું આયોજન હતું. પરંતુ કોંગ્રેસના નેતા દ્વારા જે જગ્યાની વાત કરવામાં આવી છે ત્યાં એક તરફ કેનાલ સાયફન અને એક બાજુ તળાવ આવેલું છે. જ્યાં એક મીટરની ઉંડાઈમાં 30 જેટલા ખેડૂતોની પાઈપલાઈન નીકળે છે તેથી ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમની લાઈનને નુકસાન ન થાય. જેથી 2 ફૂટની ઉંડાઈએ પાઈપલાઈન નાખવાનું નક્કી કરાયું હતું. ઉપર ક્રોંકિટનું સ્તર પણ કરવામાં આવી રહ્યું છે જેથી રોહિશાળા ગામે પૂરતા પ્રેસરથી પાણી પહોંચાડી શકીએ. તેથી આ મામલે કોઈ ભ્રષ્ટાચારની વાત વ્યાજબી જણાતી નથી અને નિયમો મુજબ જ કામગીરી કરવામાં આવી રહી છે.