ફાટકો લાંબો સમય બંધ રહેવાથી તેમજ શહેરમાં ટ્રાફિક પોલીસની ઓછી સંખ્યાન કારણે ટ્રાફિકની હૈયાહોળીમોરબી: મોરબી શહેરમાં આજે સવારે ધંધા-રોજગારના પીક અવર્સ દરમિયાન ફાટકો લાંબો સમય બંધ રહેવાના કારણે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સવારે 09:00 વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન પાસે માલગાડીનું વજન કરાવવાની અને શન્ટિંગની કામગીરીને લીધે વીસી ફાટક 15 થી 20 મિનિટ સુધી બંધ રહ્યું હતું. આ કારણે ગાંધી ચોકથી નટરાજ ફાટક સુધી, એટલે કે લગભગ 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, અને લોકોને એક કલાકથી દોઢ કલાક સુધી અટવાઈ રહેવું પડ્યું હતું. ઉપર અને નીચેના બંને બેઠા પુલ પર પણ ટ્રાફિક જામ થયો હતો. આ વારંવારની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.આજે સવારનો ટ્રાફિક વધુ વકર્યો હતો, કારણ કે સવારે 08:00 વાગ્યે 500 વિદ્યાર્થીનીઓની એકતા દોડને કારણે અડધી કલાક રસ્તો બંધ રહ્યો હતો. ત્યારબાદ એક કલાકમાં બે વાર માલગાડી પસાર થતાં વીસી ફાટકે 20 મિનિટથી વધુ સમય માટે બંધ રહેતા શહેરમાં ટ્રાફિકની અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.ટ્રાફિકની ગંભીર સમસ્યા પાછળ ટ્રાફિક પોલીસ સ્ટાફનો અભાવ પણ એક કારણ છે. શહેરના 35 ટ્રાફિક પોઇન્ટ સામે માત્ર 20 જેટલો જ ટ્રાફિક સ્ટાફ હોવાથી અને અનેક પોઇન્ટ ટીઆરબી જવાનોના ભરોસે ચાલતા હોવાથી ટ્રાફિક મેનેજમેન્ટની સમસ્યા ગંભીર બની છે. પોલીસને પણ આ ટ્રાફિક દૂર કરવામાં પરસેવો વળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી રહ્યા છે જેથી લોકોને રોજિંદગી એક થી દોઢ કલાકની હેરાનગતિમાંથી મુક્તિ મળી શકે.