ટંકારા : ટંકારા તાલુકામાં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા વર્ષ 2025-26ની કપાસની સિઝન માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ 17 નવેમ્બર, 2025થી કરી દેવામાં આવ્યો છે. ટંકારા ખાતે કલ્યાણપર રોડ ઉપર લક્ષ્મીકાંત કોટનના કેન્દ્ર પર આ ખરીદી ચાલુ થઈ ગઈ છે. કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અનુસાર શંકર-6 જાતના વ્યાજબી સરેરાશ ગુણવત્તાવાળા કપાસનો ભાવ રૂ. ૮,૦૬૦ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ગુણવત્તામાં તારની લંબાઈ 27.5 થી 29.0 મીમી, માઈક્રોનેયર વેલ્યુ 3.6 થી 4.8 તથા મહત્તમ ભેજનું પ્રમાણ 8 ટકા રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ કપાસ વેચાણ પહેલાં કપાસ કિશાન એપ અથવા કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન તથા સ્લોટ બુકિંગ કરાવવું ફરજિયાત છે. જે માટે આધાર કાર્ડ, 7/12, 8-અ અને વાવેતરનો દાખલો. ચુકવણી આધાર લિંક્ડ બેંક ખાતામાં PFMS દ્વારા સીધી જમા થશે, તેથી આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે. 8%થી વધુ ભેજવાળો કપાસ ટકાવારી મુજબ કપાત સાથે ખરીદાશે, જ્યારે 12%થી વધુ ભેજવાળો કપાસ ખરીદવામાં નહીં આવે. માઈક્રોનેયર વેલ્યુ 3.6-4.8ની રેન્જની બહાર હોય તો રૂ. 25 પ્રતિ ક્વિન્ટલ કાપવામાં આવશે. 3.0થી નીચેનો કપાસ ખરીદાશે નહીં.સીસીઆઈ દ્વારા આ વર્ષે કોઈ વચેટિયા વિના સીધા ખેડૂતો પાસેથી લાંબા સમય સુધી ખરીદી ચાલુ રાખવાનું આયોજન છે. ખેડૂતોને એકસાથે કપાસ લાવવાની જરૂર નથી, ધીમે ધીમે લાવી શકાશે.વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9898641769 / 8980620056 પર સંપર્ક કરવો. આ યોજનાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ટેકાના ભાવે કપાસ વેચાણની સરળ પ્રક્રિયાને લઈને રાહત અનુભવાઈ રહી છે.