જિલ્લામાં નોંધાયેલ 8,50,142 પૈકી 8,44,385 મતદારોને ફોર્મ વિતરણ કરાયું : સમગ્ર જિલ્લામાં 891 બીએલઓ તેમજ 1700થી વધુ બીએલઓ સહાયક દ્વારા SIRની કામગીરીમોરબી : સમગ્ર રાજ્યમાં હાલમાં સ્પેશિયલ ઈન્સેન્ટિવ રીવીઝન અંતર્ગત મતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા ઝુંબેશ ચાલુ છે. જે અન્વયે મોરબી જિલ્લામાં 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન એસઆઇઆરની કામગીરી માટે 891 બુથલેવલ ઓફિસર અને 17 બીએલઓ સહાયક દ્વારા ઘેર-ઘેર મતદારોને ગણતરી ફોર્મ આપવામાં આવ્યા બાદ આ ગણતરી ફોર્મ પરત લેવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલ 8,50,142 પૈકી 8,44,385 મતદારોને ફોર્મ વિતરણ કરી 82,430 ફોર્મ પરત મેળવી 10 ટકા જેટલી કામગીરી કરવામાં આવી હોવાના આંકડા સામે આવ્યા છે.મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠક આવેલ છે જેમાં 65-મોરબી -માળીયા વિધાનસભા બેઠકમાં 2,96,916 મતદાર, 66-ટંકારા-પડધરી વિધાનસભા બેઠકમાં 2,57,614 મતદાર તેમજ 67- વાંકાનેર-કુવાડવા મતક્ષેત્રમાં 2,95,612 મતદાર મળી મોરબી જિલ્લામાં કુલ 8,50,142 મતદારો નોંધાયેલ છે. જે પૈકી 8,44,385 મતદારોને 891 બુથલેવલ ઓફિસર દ્વારા ગણતરી ફોર્મ વિતરણ કરાયું હતું. હાલમાં મોરબી જિલ્લામાં 82,430 ફોર્મ મતદારોએ પરત આપ્યા છે જે પૈકી તમામ ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આમ, મોરબી જિલ્લામાં એસઆઇઆરની કામગીરીમાં અત્યાર સુધીમાં 10 ટકા ફોર્મ પરત લઈ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.2002ની વિગતો મળતી ન હોવાથી મતદારો ફોર્મ પરત નથી કરતા : બીએલઓમોરબી જિલ્લામાં હાલમાં SIR અંતર્ગત તમામ મતદારો સુધી બીએલઓ દ્વારા એન્યુમરેશન ફોર્મ પહોંચાડી દેવામાં આવ્યા છે. જો કે, સમગ્ર જિલ્લામાં હાલમાં મતદારોને 2002ની સ્થિતિએ તેઓ ક્યાં નોંધાયેલ હતા તેની વિગતો મળતી ન હોવાથી મતદારો પરેશાન થઇ રહ્યા છે. મોરબીના બીએલઓ દિનેશ વડસોલાએ જણાવ્યું હતું કે, હાલમાં અમે દરરોજ સવારે 9થી 1 દરમિયાન બુથ પર બેસી મતદારોનો ઇન્તઝાર કરીએ છીએ પણ કોઈ જ મતદાર આવતા નથી.66-ટંકારા બેઠકમાં 4 ભાગ મિસમેચમોરબી શહેરની જેમ જ 66-ટંકારા વિધાનસભા મતક્ષેત્રમાં હાલમાં ચાર મતદાર ભાગ એવા છે કે જેનો ચૂંટણી પંચના ડેટા મિસમેચ હોવાથી મતદારો પોતાના ગણતરી ફોર્મમાં જે વિગત દર્શાવે છે તે વિગતો સાચી હોવા છતાં આવા ફોર્મના ડિજિટાઇઝેશન દરમિયાન અલગ વિગતો આવતી હોવાથી બીએલઓ પણ ગોથે ચડયા હોવાનું સામે આવ્યું છે.મોટાભાગના શિક્ષકો બીએલઓ બની જતા બાળકો જ શિક્ષકની ભૂમિકામાંમોરબી શહેર-જિલ્લામાં હાલમાં એસઆઇઆરની કામગીરીમાં મોટાભાગના શિક્ષકોને બીએલઓ અને સહાયક બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી હોવાથી મોટાભાગની શાળાઓ શિક્ષક વગરની બની છે. પરિણામે આવી શાળાના હોશિયાર બાળકોને શિક્ષકની ભૂમિકા સોંપી શિક્ષકો પોતાની કામગીરી કરી રહ્યા હોવાથી બાળકોનું ભણતર બગડી રહ્યું છે. શિક્ષક અને બીએલઓ દિનેશ વડસોલા જણાવે છે કે, મોરબી જિલ્લામાં 13 કેડરના કર્મચારીઓ છે. છતાં પણ જિલ્લાના 3600 પૈકી મોટાભાગના શિક્ષકોને બીએલઓ, સહાયક અને ડેટા ઓપરેટર તરીકે મુકવામાં આવ્યા હોવાથી બાળકોનું ભણતર બગડી રહ્યું છે. સાથે જ અનેક શાળામાં તમામ શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવામાં આવતા આવી શાળામાં બાળકો હેરાન થઇ રહ્યા છે.લેખન, વાંચન અને ગણનની ઓનલાઇન કામગીરી ઠપ્પરાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષકોને નવેમ્બર માસમાં શાળામા અભ્યાસ કરતા ધોરણ-3થી 8ના બાળકોને લખતા, વાંચતા અને ગણન એટલે કે, ગણતા આવડે છે કે, કેમ તેની કામગીરી ઓનલાઇન કરવાની હોય છે. ચાલુ વર્ષમાં તમામ શિક્ષકોને બીએલઓ તરીકે મૂકી દેવામાં આવતા હાલમાં શિક્ષકોની મૂળ કામગીરી એવી લેખન, વાંચન અને ગણનની કામગીરી ઠપ્પ થઇ હોવાનું પણ શિક્ષકો જણાવી રહ્યા છે.જિલ્લામાં 995 મતદારોના મૃત્યુ થયામતદાર યાદીની ઘનિષ્ઠ સુધારણા દરમિયાન SIR અંતર્ગત ગણતરી ફોર્મ ઘેર ઘેર પહોંચાડવાના પ્રથમ તબક્કામાં જ જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠક વિસ્તારમાં 995 લોકોના મૃત્યુ થયા હોવાના આંકડા સામે આવ્યા છે. જો કે, હજુ પણ તમામ મતદારોના ગણતરી ફોર્મ જમા થયા બાદ મૃતક મતદારનો સાચો આંકડો બહાર આવશે.