મોરબી: મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના ઉદ્દેશથી વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે એક વિશેષ રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં વઘાસીયા ટોલ પ્લાઝા દ્વારા વઘાસીયા, જાંબુડીયા અને ઢૂવા ગામની શાળાના 19 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી વિશે, અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને મદદરૂપ થવા અંગેની રાહવીર યોજના, ઇમર્જન્સી હેલ્પલાઈન નંબર 112 ના ઉદ્દેશ અને ઉપયોગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડી.વાય.એસ.પી. વાકાનેર સારડા, નેશનલ હાઈવેના અધિકારી હવા સીંગ, અન્ય અધિકારીઓ, આર.ટી.ઓ. મોરબી, વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર, સરપંચો, પ્રિન્સિપાલો અને ટોલ પ્લાઝાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં સૌ ઉપસ્થિતોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને કરાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.