માટીનો 6 મહિનાથી પડેલો ઢગલો રોડ ઉપર ટ્રાફિક સર્જી રહ્યો છે, મોટી કુંડીના તૂટેલી ગ્રીલ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે : કામ દરમિયાન 3થી 4 જગ્યાએ તૂટેલી પાણીની લાઈન હજુ પણ એ જ હાલતમાં : તંત્ર આ હાલાકી દૂર કરવામાં નિરસમોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી સુધી લાંબા સમયથી જે બ્રિજના કામો ચાલી રહ્યા છે. તે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. બ્રિજની સુવિધા લોકોને ભવિષ્યમાં મળવાની છે. પણ તેમાં તંત્રની આડોળાઈને કારણે અત્યારે લોકોને અનેક દુવિધાઓ વેઠવી પડી રહી છે. મહારાણા પ્રતાપ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી બ્રિજનું કામ નગરપાલિકા વખતે માર્ગ અને મકાન વિભાગ હસ્તક શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ અત્યારે લોકોને અનેક દુવિધા આપી રહ્યું છે. એક તો અહીં કામગીરી ગોકળ ગતિએ થઈ રહી છે. જેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં મસમોટો માટીનો ઢગલો છેલ્લા છ મહિનાથી યથાવત સ્થિતિમાં પડ્યો છે. જેના કારણે રસ્તો સાકળો થઈ ગયો છે. પરિણામે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. અહીં જ્યારે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે 15 ટન કચરો કાઢવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ માટીનો ઢગલો કોઈને દેખાયો નહિ. આ સાથે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યાં પાસે એક કુંડીની ગ્રીલના સળિયા તૂટી ગયા છે. જો આ સળિયા વધુ તૂટે તો આખું બાઇક અંદર સમાઈ જાય તેમ છે. આગળની એક જગ્યાએ પણ કુંડીની હાલત આવી જ હતી. ત્યા તો સ્થાનિકોએ કુંડી ઢાંકી દીધી છે. વધુમાં અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે પાણીની લાઈન 3થી 4 જગ્યાએ તોડી નાખવામાં આવી હતી. આ મામલે સ્થાનિકોએ રજુઆત પણ કરી છે. છતાં હજુ પણ પાણીની લાઈન તૂટેલી હાલતમાં જ છે. અહીંથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. આમ આ બ્રિજના કામમાં તંત્રની નિરસતાને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આ મામલે મહાપાલિકાના અધિકારી પાર્થ રાઠોડે જણાવ્યું કે કુંડીના ઢાંકણા બદલવાની કામગીરી ચાલુ છે. આ રોડ ઉપર 14 જેટલા ઢાંકણા છે. આ ઢાંકણા આવી ગયા છે. આજ રાત્રીના આ તૂટેલું ઢાંકણું બદલાઈ જશે તેમ અંતમાં તેઓએ કહ્યું હતું.